Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબીના ખાખરાળા ગામે ચાલી રહેલી સાત દિવસની શિબિરમાં છઠ્ઠા દિવસે પ્રભાતફેરી અને વ્યાયામ-પરેડ બાદ આંખ નિદાન

મોરબીની આર્ટ્સ કોલેજના એન એસ એસ યુનિટ દ્વારા ખાખરાળા ગામે ચાલી રહેલી સાત દિવસની શિબિરમાં છઠ્ઠા દિવસે ૧૯ ફેબ્રુઆરીના રોજ પ્રભાતફેરી અને વ્યાયામ-પરેડ બાદ સવારે ૧૦ વાગ્યે તમન્ના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આંખ નિદાનની શરૂઆત થયેલ. આંખના નંબર તથા જરૂરી તપાસણી માટે ટ્રસ્ટ વતી હનીફભાઇ મેમણ આંખના તપાસણીના જરૂરી સાધનો અને સામગ્રી લઈને આવેલ. સવારથી જ આંખની તપાસણી કરવા આવેલા ગ્રામજનોનો ઘસારો રહ્યો હતો. તજજ્ઞ હનીફભાઈએ તેની પૂરી કુશળતા અને જહેમત ઉઠાવી હતી. એન એસ એસના સ્વયંસેવક મિત્રોએ તેમને આસિસ્ટન્ટ તરીકે પૂરેપૂરો સહકાર આપ્યો હતો અને સુવ્યવસ્થિત આયોજન કરી છેવટ સુધી જાળવી રાખ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે પાંચ વાગ્યા સુધીની સતત તપાસણીમાં ૨૮૫ ગ્રામજનોને નંબરની તથા અન્ય ચકાસણી કરવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત એનએસએસના કેટલાક સ્વયંસેવકો મળીને કુલ 300 જેટલા વ્યક્તિઓની આંખની તપાસણી કેમ્પના આ દિવસે કરવામાં આવી હતી. જરૂરિયાત મંદને ખૂબ વ્યાજબી દરે નંબર વાળા ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. ગ્રામજનોએ આ કેમ્પનો પૂરતો લાભ લીધો હતો, સ્વયંસેવકોએ પૂરતી વ્યવસ્થા કરી હતી અને તજજ્ઞ હનીફભાઈએ પોતાના અનુભવે પૂરતી ક્ષમતાનો ઉપયોગ કર્યો હતો. પરિણામે આ વિશેષ પરિણામ લખી કાર્ય સંભવ બન્યું હતું

આંખ નિદાન તથા રસોઈ કામમાં રોકાયેલા સ્વયંસેવકો સિવાયના સ્વયંસેવકોનું ટૂંકું પોણા કલાકનું એક સેશન મળ્યું હતું. જેમાં સ્વયંસેવક અને યોગના શિક્ષક એવા કુલદીપ ધરોડિયાએ જુદા જુદા આસનો કરી તેની સમજૂતી આપી તેના ફાયદાઓ દર્શાવ્યા હતા અને યોગનું સ્વાસ્થ્યમાં મહત્વ સમજાવ્યું હતું.
બપોર બાદ ત્રણ વાગ્યે સુરસંગીતનો જલસો રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબીના રાજઘરાનાના વારસ એવા અનવરભાઈ વાલેરા, નવસાદભાઈ મીર અને પરવેજ મીર ઉપસ્થિત રહેલ. એનએસએસના સ્વયંસેવકો તથા ઉપસ્થિતોને સુર અને સંગીતથી તરબોળ કર્યા હતા. સંગીતના આ કાર્યક્રમમાં સ્વયંસેવકોએ કલાકારોને સમજણપૂર્વકની દાદ આપી હતી અને તેથી કલાકારો પણ ખૂબ ખીલી ઉઠ્યા હતા. સંગીતનો જલસો વાસ્તવમાં વિશેષ આનંદદાયક રહ્યો હતો.
લગભગ પાંચ વાગે આંખ નિદાનનું કાર્ય અને સંગીતનો કાર્યક્રમ સંપૂર્ણ થયા હતા. મહેમાનોને વડાવીને સ્વયંસેવકોએ ગરબાની મોજ માણી હતી. ગામના બાળકો પણ તેમાં જોડાયા હતા.
૨૦ ફેબ્રુઆરીએ આ શિબિરનો અંતિમ દિવસ હતો. આ દિવસે સવારના નિત્ય ક્રમ બાદ સ્વયંસેવકો ગ્રામજનોની શુભેચ્છા મુલાકાતે નીકળ્યા હતા. ભાઈઓ-બહેનોના જુદા જુદા ગ્રુપ છ દિવસ દરમિયાન ગામના જે મોટાભાગના વિસ્તારોના લોકોને મળ્યા હતા તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. શુભેચ્છા મુલાકાત દરમિયાન ગ્રામજનોનો પ્રતિભાવ હતો કે 'તમે હજુ થોડા દિવસ રોકાઈ જાવ તો વધુ સારું', કોઈ એમ કહેતું હતું કે 'તમારી પ્રભાતફેરીથી અમારી સવાર થતી'. તો વળી કોઈ એમ કહેતું કે 'હવે વેકેશનમાં આટો દેવા આવજો'. 'તમે ગામમાં ઘણું સારું કરી ગયા છો' એવો પણ પ્રત્યુતર મળેલ. આ હતી આ શિબિરની ખરી સફળતા.
બપોર બાદ સમાપન સમારોહ યોજાયો હતો. તે અગાઉ શાળાના પટાંગણમાં મહેમાનો સ્વયંસેવકો અને શાળાના બાળકો તથા શિક્ષકગણની ઉપસ્થિતિમાં એન એસ એસના સ્વયંસેવકોએ રાજપથ ખાતે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ યોજાતી પરેડની એન એસ એસની મોકડ્રિલ યોજી હતી. ત્યારબાદ મોરબી જિલ્લાના એનએસએસ કોઓર્ડીનેટર પ્રો. વનિતાબેન કગથરાના અધ્યક્ષ સ્થાને સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય પેન્શનર સમાજના ઉપપ્રમુખ અને ખાખરાળાના જ વતની શ્રી જીવણભાઈ ડાંગરે દીપ પ્રાગટ્ય કર્યું હતું. હેતલ રાઠોડ, કૃપાલી સંચાણીયા, મનિષા જોષી, જયેશ શીયાર, નીતિશ બડઘા તથા મિહિર ચાવડાએ સ્વયંસેવક તરીકે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમનો સૂર હતો કે આ શિબિર અમારી જિંદગીનો લહાવો છે, આ શિબિરથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે, ખાખરાળા ગામનો પરિચય થયો છે, ખૂબ મજા આવી છે. શાળાના આચાર્યશ્રી મહેન્દ્રભાઈએ શિબિરના સાત દિવસની સ્વયમ સેવકોની કાર્ય પ્રવૃત્તિને બિરદાવી હતી અને તેમણે યજમાન થવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. શિબિર માટે ખૂબ જ મદદરૂપ બનેલ  જીવણભાઈ ડાંગરે શિબિરની પ્રવૃત્તિથી ખાખરાળા ગામને વિવિધ ફાયદાઓ થયા છે તે દર્શાવી કાર્યને બિરદાવેલ. અધ્યક્ષ સ્થાનેથી પ્રો. વનિતાબેને પણ આ શિબિર દરમિયાન થયેલી પ્રવૃત્તિની પોતાને મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલી તમામ માહિતીઓની નોંધ લીધી હતી અને તેમની વાસ્તવિક સફળતાને બિરદાવી હતી. આ ઉપરાંત એન એસ એસમાં વિશેષ શું થઈ શકે તે પણ તેમણે જણાવેલ.
કાર્યક્રમનું સંચાલન કરતા એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ શિબિરની સફળતા માટે સૌથી મહત્વનું સોપાન નિષ્ઠાવાન સ્વયંસેવકોને ગણ્યું હતું. સવારની પ્રભાતફેરીથી માંડીને રાત્રિના ભોજન સુધી સ્વયંસેવકો જે શિસ્ત, નિષ્ઠા અને લાગણીથી કાર્યપ્રવૃત્ત રહેતા હતા તે વૃત્તિને તેમણે કેન્દ્રસ્થાને ગણાવેલ. આ ઉપરાંત ગ્રામજનોનું હકારાત્મક વલણ, વિશિષ્ટ અને ઉચ્ચ સ્તરના તજજ્ઞોની ઉપલબ્ધિ, શાળાનું સારું આંતર માળખું અને આચાર્ય તથા શિક્ષકગણનું સહકારીતાપણું આ શિબિરની સફળ ઉપલબ્ધિના સોપાન બન્યા હતા

(1:13 am IST)