Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબી જીલ્લા પંચાયતનું ૯૭.૨૪ લાખની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું

વિરોધ પક્ષે કામ ના થતા હોવાના આક્ષેપો કરી હંગામો મચાવ્યો શાસક પક્ષે ટેન્ડર લેવા એજન્સી ઉત્સાહિત ના હોવાનું કારણ કહ્યું.

મોરબી જીલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષનું બજેટ આજે જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં રજુ કરવામાં આવ્યું હતું જે બજેટને મંજુર કરવામાં આવ્યું છે તો વિરોધ પક્ષ દ્વારા પ્રજાહિતના કામો થતા ના હોવાના આક્ષેપો કરીને હંગામો કરવામાં આવ્યો હતો

મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટ સહિતના કુલ ૧૫ એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા જે તમામ એજન્ડાઓને મંજુર કરવામાં આવ્યા હતા જીલ્લા પંચાયતનું આગામી નાણાકીય વર્ષનું ૯૭.૨૪ લાખની પુરાંતવાળું બજેટ રજુ કરવામાં આવ્યું હતું જે બજેટને મંજુરીની મહોર લગાવવામાં આવી હતી
બજેટમાં ક્યાં વિભાગ માટે કેટલી જોગવાઈઓ કરવામાં આવી ?
૧. સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ ૧૦૧.૯૯ લાખ જેમાં માનદ વેતન, પગાર ભથ્થા અને કન્ટીજ્ન્સી ખર્ચનો સમાવેશ થાય છે
૨. પંચાયત અને વિકાસ ક્ષેત્રે કુલ રૂ ૮૧૩.૩૩ લાખની જોગવાઈ જેમાં ગ્રામ પંચાયતના વિકાસના કામોની રૂ ૭૦૦ લાખની જોગવાઈઓ કરવામાં આવી છે
૩. શિક્ષણ ક્ષેત્રે રૂ ૭૬.૯૧ લાખની પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓની જોગવાઈ કરેલ છે
૪.આરોગ્ય ક્ષેત્રે રૂ ૬૦ હજારની જોગવાઈ કરેલ છે
૫. ખેતીવાડી ક્ષેત્રે રૂ ૧૬.૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી ચ
૬. પશુપાલન ક્ષેત્રે ૫ લાખની જોગવાઈ
૭. સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ ૭૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે
૮. આંકડા શાખા માટે રૂ ૧.૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે
૯. કુદરતી આફતો માટે રૂ ૩૧૦ લાખ જેમાં રૂ ૩૦૦ લાખની પુર નિયંત્રણ ભંડોળની જોગવાઈઓનો સમાવેશ થાય છે
૧૦. સિંચાઈ ક્ષેત્રે રૂ ૭૮.૭૫ લાખના સિંચાઈના કામોની જોગવાઈ થયેલ છે
૧૧. બાંધકામ ક્ષેત્રે કુલ રૂ. ૨૬૫.૦૧ લાખની જોગવાઈનો સમાવેશ થાય છે
૧૨. પ્રકીર્ણ યોજનાઓ અને કાર્યો માટે રૂ ૧૦.૪૧ લાખની જોગવાઈનો સમાવેશ થાય છે
પ્રજાહિતના કાર્યો થતા નથી, ખેડૂતો માટેની યોજના ફરી શરુ કરો : ભુપતભાઈ ગોધાણી
જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના સદસ્ય ભુપતભાઈ ગોધાણીએ આજે ખાસ સામાન્ય સભામાં શાસક પક્ષને આડેહાથ લેતા જણાવ્યું હતું કે બજેટ સર્વ સંમતીથી મંજુર કરાયું છે જોકે ૧૫ માં નાણાપંચના કામ ૩ વર્ષથી થયા નથી ૩-૩ વર્ષથી કામો અટકેલા છે ટેન્ડર બહાર પાડે અને ફરી રી ટેન્ડર કરવામાં આવે છે સામાન્ય સભામાં લેવાતા એજન્ડામાં હેતુફેર જેવા મુદાઓ જ નજરે પડશે પ્રજાહિતના મુદા લેવાતા નથી એકપણ પ્રશ્નનો નિકાલ થતો નથી જેથી સરકાર પાસે માંગ કરી છે કે વિકાસ કાર્યો અવિરત ચાલુ રાખવા જોઈએ અને ખેડૂતોના હિતમાં કિસાન સૂર્યોદય યોજના ફરી શરુ કરવા માંગ કરી છે
પુરાંતવાળું બજેટ મંજુર કરાયું : પંચાયત પ્રમુખ
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખે બજેટ અંગે જણાવ્યું હતું કે આજે ૯૭.૨૪ લાખની પુરાંતવાળું બજેટ મંજુર કરાયું છે અને ખાસ સામાન્ય સભામાં ૧૫ એજન્ડા મુકવામાં આવ્યા હતા જે તમામને બહાલી આપવામાં આવી છે વિરોધ પક્ષના કામોના વિલંબ અંગે જણાવ્યું હતું કે ટેન્ડર બહાર પાડ્યા હતા પરંતુ કોન્ટ્રાકટર ટેન્ડર લેતા ના હોવાથી કામો વિલંબમાં પડ્યા છે અને રી ટેન્ડર કરવામાં આવ્યા હતા તો ફિલ્ટર પ્લાન્ટ વધુ કીમતે ખરીદવા અંગેના પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે તે બધી ખરીદી જનરલ જીએમથી થતી હોય છે અને ગાંધીનગરથી કરાતી હોય છે પરંતુ મશીનરી ખરાબ હોય તો તપાસ કરી પરત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

(1:15 am IST)