Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

જામનગરનાં વકિલ કિરીટ જોષી હત્યા કેસમાં અન્યના નામો ખુલવાની શકયતા

ત્રણેય આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ હવે નવા ખુલાસા થવાની ધારણા

જામનગરઃ જામનગરમાં વકીલ કિરીટ જોશી ના ચકચારી હત્યા કેસમાંં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂૂ કર્યા હતા. સ્પેશિયલ વકીલ અનેે પોલીસની દલીલોને ધ્યાનેે લઇ ત્રણેય આરોપીઓનેે ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: જામનગરમાં વકીલ કિરીટ જોશીના ચકચારી હત્યા કેસમાંં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂૂ કર્યા હતા. જામનગરની ડિસ્ટ્રિકટ કોર્ટમાં ચોથા એડિશનલ સિવિલ જજ સમક્ષ ત્રણેય આરોપીઓને રજૂ કરી પોલીસે ૧૫ જેટલા મુદ્દાઓને લઈને તપાસ કરવા માટે તમામ આરોપીઓને ૧૪ દિવસના રિમાન્ડ માટેની માગણી સાથે રજૂ કરાયા હતા. કોર્ટમાંં સ્પેશિયલ વકીલ અનેે પોલીસની દલીલોને ધ્યાનેે લઇ ત્રણેય આરોપીઓનેે ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા પ્રકરણમાંં મુખ્ય ત્રણ આરોપીઓને કોલકાતામાંથી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ઓપરેશન રેડ હેન્ડ હાથ ધરી પોલીસે વેશપલટો કરી નદી કિનારેથી ઝડપી પાડયા હતા. ત્યારબાદ વકીલ કિરીટ જોશી ના હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને જામનગરમાં લવાયા હતા અને કોરોના ટેસ્ટ કરાયા બાદ તમામના રિપોર્ટ નેગેટીવ આવતા કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી સાથે રજૂ કરાયા હતા.

વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી એવા દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર અને જયંત ગઢવી ને જામનગરની કોર્ટમાંં રજુ કર્યા હતા. જયાં રાજકોટ થી ખાસ સ્પેશિયલ વકીલ અનિલ દેસાઈ દ્વારા દલીલો કરવામાં આવી હતી. જેમાં તપાસ અર્થે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલા હથિયાર કબજે કરવા ઉપરાંત હત્યા કરવા સમયે લાવેલ વાહન કયાંથી આવ્યું, આરોપીઓ ત્રણ વર્ષ સુધી કયાં કયાં નાસતા ફરતા હતા, તેમજ હત્યામાં કોણે કોણે મદદગારી કરી છે. આ ઉપરાંત સોપારી ના પૈસા કેવી રીતના અને કયાંથી કોણે મોકલાવ્યા છે. કઇ બેંકમાં આ નાણાંની લેવડદેવડ થઈ છે. આ તમામ દલીલોને ધ્યાને લઇ ૧૨ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

જામનગરના ચકચારી વકીલ કિરીટ જોશી ના હત્યા કેસમાં કોલકાતાથી ઝડપાયેલા ત્રણેય આરોપીઓને હાલ ૧૨ દિવસના પોલીસ રિમાન્ડમાં સોંપતા આ પ્રકરણમાં રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસા થાય તેવી ધારણા છેે. અને વધુ કેટલાક નામો ખુલે તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

(12:51 pm IST)