Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

બેન્ક યુનિયનો ધમપછાડા કરે પરંતુ કેન્દ્ર સરકાર નમતુ જોખશે ? વિરજીભાઇ ઠુંમર

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧૯ : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલાજીએ નાણાકીય વર્ષ ર૦ર૧-રરના બજેટમાં બે રાષ્ટ્રીયકૃત (સરકારી બેંકો) અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે તેના વિરોધમાં નવ જેટલા બેંક યુનિયનો સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેકિંગ યુનિયને બે દિવસની દેશ વ્યાપી બેંક હડતાળનું એલાન આપ્યુ હતુ.

તેના કારણે સમગ્ર દેશમાં હજારો કરોડ રૂપિયાના ટ્રાન્જેકશન ઉપર ઘણી માઠી અસર પડી હોવાનું જણાવ્યું છે તે અંગે લાઠી - બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી અને પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુંમરે કેન્દ્રની મોદી સરકાર અંબાણી અને અદાણી જેવા કોર્પોરેટર ગૃહોના ખોળામાં રમી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

બેંક યુનિયનો ગમે તેટલા ધમપછાડા કરે કે ગમે તેટલા દિવસની હડતાળ પાડે તો પણ લોકશાહીના ઓથ હેઠળ સરમુખત્યારશાહીપણે કામ કરતી કેન્દ્રની મોદી સરકાર નમતુ જોખશે કે કેમ ? તે એક સવાલ છે.

ધારાસભ્યશ્રી વિરજીભાઇએ વધુમાં જણાવ્યું કે દિલ્હીમાં સાડા ત્રણ મહિનાથી ખેડુતો આંદોલન ચલાવી રહેલા ખેડુત નેતાઓ અને સરકાર વચ્ચે તબકકાવાર ૧૧ જેટલી મિટીંગો યોજાઇ પરંતુ તેનું કોઇ પરિણામ ન આવ્યું તેમ ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસીએશન અને કેન્દ્ર સરકારના અધિક શ્રમ આયુકત (કમિશ્નર) વચ્ચે તા.૪, ૯ અને ૧૦ માર્ચના રોજ મંત્રણાઓ યોજાઇ પરંતુ તેનું પણ કોઇ પરિણામ ન આવ્યું.

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું કે, રાષ્ટ્રીયકૃત (સરકારી) બેંકો અને વીમા કંપનીના ખાનગીકરણના મુદે કેન્દ્ર સરકાર અને બેંક કર્મચારીઓ યુનિયનો વચ્ચે સર્જાયેલી મડાગાંઠના કારણે બેંક કર્મચારીઓની હડતાળની સીધી અસર દેશના વેપાર - ધંધા ઉપર પડી રહી છે.

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે અંતમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય કૃત (સરકારી) બેંકો અને વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો સરકારનો નિર્ણય દેશ હિતમાં ઉચિત નથી અને તેથી રાષ્ટ્રીયકૃત (સરકારી) બેંકો અને વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો નિર્ણય પાછો ખેંચવા માંગણી કરી છે.

(12:58 pm IST)