Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ટંકારા નજીક ટ્રક સ્‍કોર્પિયો વચ્‍ચે અકસ્‍માત : ટ્રક શાળાની દિવાલ તોડી ગ્રાઉન્‍ડમાં ઘૂસી ગયો : સામાન રોડ ઉપર વેરવિખેર : એક બાજુનો રસ્‍તો બંધ થતા ટ્રાફિક જામ

(જયેશ ભટ્ટાસણા-ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૨૦: ટંકારા નજીક રાજકોટ-મોરબી રોડ પર આર્ય વિધાલયમ્‌ સામે ટ્રક અને સ્‍કોર્પિયો કાર ધડાકાભેર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. સદભાગ્‍યે મોટી જાનહાની ટળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સવારે ટંકારા નજીક ટ્રક અને સ્‍કોર્પિયો કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો જેમાં ટ્રક શાળાની દિવાલ તોડી ગ્રાઉન્‍ડમાં ઘૂસી ગયો હતો. અકસ્‍માતને પગલે ટ્રકનો સામાન રોડ ઉપર વેરવિખેર થઈ ગયો હતો.એક બાજુનો રસ્‍તો બંધ થતા ટ્રાફિક જામ થયો હતો.

બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતા મહિપતસિંહ ચૌહાણ સહિત પોલીસ ટીમ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી. ટ્રક રાજકોટ તરફ જતો હતો ત્‍યારે અચાનક કોઈ  આડુ ઉતરતા બચાવવા જતાં રોડ નીચે તરફ લેતા પાછળ આવતા સ્‍કોર્પિયો સાથે ધડાકાભેર અથડાતા અકસ્‍માત થયાનું સુત્રો પાસેથી જાણવા મળ્‍યું છે. તેમ  યશ પટેલ (હમિરપર)એ જણાવ્‍યું છે.

(12:03 pm IST)