Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

અવસર લોકશાહી નો 2 હજાર મહિલા કર્મીઓએ માનવ સાંકળથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

ટંકારા મામલતદાર કેતન સખિયા દ્વારા વધુ એક મતદારો માટે નવતર પ્રયોગ

ટંકારા : ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ. મતદાન દ્વારા જ્યારે દેશનું આવતા પાંચ વર્ષનું ભાવિ નક્કી થતું હોય છે ત્યારે લોકો વધુને વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિના અનેક પ્રયોજનો યોજવામાં આવતા હોય છે. ત્યારે મોરબી નજીક 66-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ અજંતા ઓરપેટ ફેક્ટરી ખાતે 2000 જેટલી મહિલા કર્મચારીઓ દ્વારા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી.ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ માટે અનન્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

  સક્ષમ નારી શક્તિ મતદાન જાગૃતિમાં પણ અગ્રેસર છે તેવું આ મહિલા કામદારોએ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ રચી તેમાં ‘WORKES WILL VOTE, MORBI WILL VOTE’ એવું લખી લોકોને વધુને વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા છે.

    આગામી 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન યોજનાર છે. ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિના આ પ્રયાસ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ મહિલાઓએ અનન્ય પ્રયાસ થકી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો છે. લોકોને મતદાન કરવા પ્રેરિત કરતી આ મહિલા શક્તિનો એક જ સૂર હતો કે, ‘કરીશું મતદાનમાં મોટી ભાગીદારી, અમે છીએ ગુજરાતની નારી’. મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને નાગરિકો હોંશે હોંશે મતદાનની ફરજ પૂર્ણ કરે તે માટે અજંતા ઓરપેટ ફેક્ટરીની 2000 જેટલી મહિલાઓએ માનવ સાંકળ રચી મોરબી જિલ્લાના નાગરિકોને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે તેમજ દરેક નાગરિકને મતદાન કરવા અનુરોધ પણ કર્યો છે.
   જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી, ખર્ચ મોનિટરીંગ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખિયા, સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા, ટંકારા મામલતદાર કેતન સખિયા અને અજંતા ઓરપેટના અધિકારી/કર્મચારીઓએ મહિલાઓના આ પ્રયોજનમાં ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

   
(9:53 pm IST)