Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે આજે કચ્છની દરિયાઈ સીમા ચોકીઓનું લોકાર્પણ: ૧૬૪ કરોડના ખર્ચે બનેલ ૧૮ સીમા ચોકી પૈકી ૫ ચોકી અને એક ઓપી ટાવરને ખુલ્લા મુકશે

દ્વારકાથી ઉદ્દઘાટન કરાશે : બીએસએફ મરીન આઉટ પોસ્ટ થકી દરિયાઈ સુરક્ષા વધુ સઘન બનશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી શારદાપીઠ ખાતે આદી શંકરાચાર્ય શ્રી સહજાનંદ સરસ્વતીજી સાથે શુભેચ્છા મુલાકાત કરશે. અને ત્યારબાદ ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કરશે. તેમજ નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ, ઓખાની મુલાકાત લેશે

 ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગના ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે.  આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી BSFની ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટનું તેમજ સરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક OP ટાવરનું પણ ઈ-ઉદઘાટન કરશે.

 નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ (NACP) ની સ્થાપના ૦૯ કોસ્ટલ રાજ્યો, ૦૫ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે.  ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે NACPને વિકસાવવા માટે રૂ. ૪૪૧ કરોડ મંજૂર કર્યા છે.

     જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.  કચ્છ જિલ્લામાં મેડીથી જખૌ દરિયા કિનારા સુધી રૂ. ૧૬૪ કરોડના ખર્ચે બાંધવામાં આવેલી ૧૮ કોસ્ટલ આઉટપોસ્ટ પૈકીની  ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટનું ઈ-ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. 

      ઉપરાંત સરક્રીકમાં લખપતવારી બેટ ખાતેનો ઓપી ટાવર BSF ટુકડીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરશે.  NACP, ઓખા ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને ડીજી, BSF પણ ઉપસ્થિત રહેશે.

(9:44 am IST)