Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

પોરબંદરના બખરલામાં ગોળી મારીને હત્‍યા કરનાર અરજણને રિમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ

બખરલામાં ફાયરીગ કરીને હત્‍યાનો ઝડપાયેલ આરોપી અરજણ નરબત તેમજ હત્‍યા થયેલ ખેડુત ખીમાભાઇનો મૃતદેહ અને ફાયરીંગમાં ઘવાયેલ ખીમાભાઇના ભત્રીજા કિશોરની તસ્‍વીરો.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૦ : બખરલામાં ખેતર નજીક પસાર થતી પાણીની નહેર ખોદવા પ્રશ્ને માથાકુટમાં ફાયરીંગ કરીને ખીમાભાઇ ગીગાભાઇ ખુંટીની હત્‍યા કરનાર આરોપી બખરલાના અરજણ નરબતને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. આરોપી અરજણ નરબતને રીમાન્‍ડની માંગણી સાથે પોલીસ કોર્ટમાં રજુ કરશે.

પોરબંદર પાસે બખરલામાં ખેતર પાસેથી પાણીની નહેર ખોદવા પ્રશ્ને ડખ્‍ખો થયો હતો. આ ડખ્‍ખામાં ફાયરીંગ પણ થયાનું કિશોર માલદેભાઇ ખુંટી નામના યુવાને જાહેર કરીને પોલીસને જણાવ્‍યું હતું કે સવારે ખેતરમાંથી પાણીની નહેર ખોદવા પ્રશ્ને માથાકુટ થઇ હતી અને તેમાં માથાકુટ વધુ ગંભીર થતા ફાયરીંગ થયું હતુ અને ફાયરીંગના આ બનાવમાં તેના કાકા ખીમાભાઇ ગીગાભાઇ ખુંટીનું મૃત્‍યુ નિપજયું છે. જયારે પોતાને ગંભીર ઇજા થતા સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્‍પીટલે લાવવામાં આવ્‍યો હતો.

ફાયરીંગના બનાવની જાણ થતા પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્‍પીટલ ખાતે મોટી સંખ્‍યામાં રાજકીય  આગેવાનો સહીત અગ્રણીઓ દોડી ગયા હતા અને આગેવાનોએ મૃતકના પરિવારજનોને સાંત્‍વના આપી હતી.

ફાયરીંગ બાદ પોલીસ ઘટના સ્‍થળે તાત્‍કાલીક દોડી ગયેલ અને જેમના દ્વારા ફાયરીંગ કરવામાં આવ્‍યું છે તેનું નામ અરજણ નરબત ખુંટી જાહેર થયું હતું.  મૃતક ખીમાભાઇ ગીગાભાઇ ખુંટીના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્‍યો હતો.

ફાયરીંગના આ બનાવમાં એક ગોળી ખીમાભાઇના શરીરમાં ઉતરી જતા ખીમાભાઇનું મૃત્‍યુ થયું હતું. જયારે તેના ભાઇના પુત્ર કિશોરને પગમાં ગોળી વાગી હતી. આ બનાવમાં અંદાજે એકથી વધુ રાઉન્‍ડ ફાયરીંગ થયાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્‍યું છે. પકડાયેલ આરોપી અરજણ નરબતને રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે

(12:38 pm IST)