Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

પોરબંદરના બરડા સાગર અને મેઢાક્રિક સહિત અલગ અલગ ૩પ કેનાલોની સફાઇ કામગીરી શરૂ

કેનાલ બુરાઇ જવાથી ખેડુતોને પુરતુ પાણી મળતુ નહોતુઃ રમેશભાઇ ધડુક અને બાબુભાઇ બોખીરીયાની જહેમત રંગ લાવીઃ કેનાલ સફાઇ માટે ૧.પપ કરોડનો ખર્ચ કરાશે

પોરબંદર તા.ર૦ : જિલ્લામાં બરડા સાગર અને મઢાક્રિક ડેમ સહિતની આશરે ૩પ જેટલી અલગ અલગ કેનાલોની રૂા.૧.પપ કરોડના ખર્ચે સફાઇ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા કેશવ, પાલખડા, આંબારામ, વડાળા, ભાવપરા મીયાણી, વિસાવાડા, હાથીયાણી વિગેરે ગામોના ખેડુતો ખુશખુશાલ થઇ ગયેલ છે.

પોરબંદર તાલુકાના બરડાસાગર ડેમ, મેઢાક્રિક ડેમ અને સિંચાઇ (પંચાયત) વિભાગ અંતર્ગતની કેનાલો સાફ-સફાઇના અભાવે કાંપ વગેરેથી બુરાઇ જવાથી જે તે વિસ્‍તારના લાભાર્થી ખેડુતોને સિંચાઇ માટે વ્‍યવસ્‍થિતપણે પાણી મળતુ ન હોવાથી આ કેનાલોની ચોમાસા પહેલા સાફ-સફાઇ થઇ જાય તે માટે મંજુબેન કારાવદરા, પ્રમુખ જિ. પં-પોરબંદર, પ્રતાપભાઇ કેશવાલા, પ્રમુખ તા.પં.પોરબંદર, રમેશભાઇ ઓડેદરા, પ્રમુખ જિલ્લા - ભાજપ, પોરબંદર, જે તે વિસ્‍તારના જિલલા તાલુકાના પંચાયતના ભાજપના સભ્‍યશ્રીઓ તથા જુદા જુદા ખેડુત આગેવાનો દ્વારા સંસદસભ્‍ય રમેશભાઇ ધડુક અને પુર્વે કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી.

તેઓની રજુઆતોને ગંભીરતાથી લઇ, સંસદસભ્‍ય અને પુર્વ કેબીનેટમંત્રીએ રાજયના જળસંપતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, જળસંપતિ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ તથા કાર્યપાલક ઇજનેર ક્ષાર અંકુશ વિભાગ અને કાર્યપાલક ઇજનેર સિંચાઇ (પંચાયત) વિભાગ, પોરબંદરને કેનાલોના લાભાર્થી ખેડુતોને સિંંચાઇ માટે વ્‍યવસ્‍થિત પણે પાણી મળી રહે તે માટે ચોમાસા પહેલાં આ કેનાલોની સફાઇ થઇ જાય તે પ્રકારની ભલામણો કરેલ હતી.

સંસદ સભ્‍ય અને પુર્વ કેબીનેટમંત્રીની ભલામણોને ધ્‍યાને લઇ, રાજયના જળસંપતિ વિભાગે ખેડુતોના હિતમાં હકારાત્‍મક અભિગમમ અપનાવી બરડાસાગર ડેમ, મેઢાક્રિક ડેમ અને સિંચાઇ (પંચાયત) અંતર્ગતની કેશવ, પાલખડા, આંબારામ, વડાળા, ભાવપરા, મીયાણી, વિસાવાડા, હાથીયાણી વિગેરે ગામોની અલગ અલગ ૩પ જેટલી કેનાલોની સફાઇ માટે સરકારશ્રીના  જુદા જુદા નાણાકીય હેડમાંથી રૂા.૧.પપ કરોડ જેટલી માતબર રકમને મંજુરીની મહોર મારી દીધી છે.

સાફ-સફાઇ કરવાની થતી અલગ અલગ ૩પ જેટલી કેનાલો પૈકીની મોટાભાગની કેનાલોમાં સાફ - સફાઇની કામગીરી પુર્ણ થઇ છે.

 કેનાલોની સફાઇ થઇ જવાથી જે તે વિસ્‍તારના ખેડુતોને સિંચાઇ માટે વ્‍યવસ્‍થિત પણે પાણી મળી રહેશે. ખેડુતોમાં ખુશાલી જોવા મળી રહી છે. પોતાની રજુઆતો અને ખેડુતોના હિતને ધ્‍યાને લઇ સંસદસભ્‍ય રમેશભાઇ ધડુક અને પુર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાએ બરડાસાગર ડેમ, મેઢાક્રિક ડેમ અને સિંચાઇ (પંચાયત) વિભાગ અંતર્ગતની કેનાલોની કામગીરી શરૂ કરાવી આપવા બદલ મંજુબેન કારાવદરા, પ્રમુખ જિ. પં.-પોરબંદર, પ્રતાપભાઇ કેશવાલા, પ્રમુખ તા.પં.-પોરબંદર, રમેશભાઇ ઓડેદરા, પ્રમુખ જિલ્લા - ભાજપ, પોરબંદર, જે તે વિસતારના જિલ્લા - તાલુકા પંચાયતના ભાજપના સભ્‍યશ્રીઓ તથા જુદા જુદા ખેડુત આગેવાનોએ સંસદ સભ્‍ય રમેશભાઇ અને પુર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ આભાર માની તેઓને અભિનંદન પાઠવેલ છે.

(12:43 pm IST)