Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

સુરેન્દ્રનગર ખાતે નિવાસી અધિક કલેકટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સુરેન્‍દ્રનગર:સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. સંકલન ભાગ-1ની બેઠકમાં ધ્રાંગધ્રાનાં ધારાસભ્યરી પ્રકાશ વરમોરાએ જી.આઈ.ડી.સી. તેમજ આયુર્વેદ હોસ્પિટલમાં વિવિધ સુવિધાને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે ગ્રામ્ય વિસ્તારમાં સૌની યોજના સંબંધિત પાણી લીકેજની સમસ્યા, ખાણ-ખનીજ વિભાગ તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનાં સર્વે સહિતનાં પ્રશ્નો અંગે માહિતી મેળવી વિગતવાર ચર્ચા કરી હતી અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી. દસાડા ધારાસભ્યશ્રી પી.કે પરમારે અગરિયાઓ, જી.આઇ.ડી.સી તેમજ વીજળીને લગતા પ્રશ્નોની રજૂઆત કરી આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા જણાવ્યું હતું.

 

આ ઉપરાંત નડતરરૂપ જગ્યાઓ પર વધારાના દબાણ હટાવવા,  કેનાલની નિયમિત સફાઈ કરાવવી, ખાતેદાર ખેડૂતના જમીનના વિવિધ પ્રશ્નો બેઠકમાં રજૂ થયા હતા, જે અંગે નિવાસી અધિક કલેકટરએ સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીઓને સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી હતી.

સંકલન ભાગ-2ની બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ સરકારી કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.

 

(1:02 am IST)