Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કચ્‍છ - સૌરાષ્‍ટ્રના આકાશમાં મોડી રાત્રે ઉપગ્રહોની ટ્રેન દેખાતા ફેલાયું કુતૂહલ

ખૂબ જ ચર્ચિત શ્રીમાન એલ.એન.મસ્‍કની કંપની સ્‍પેસ એકસ દ્વારા તા. ૧૭ જૂનના ભારતીય સમય મુજબ ૨૧.૩૯ કલાકે ૫૩ ઉપગ્રહો એક સાથે છોડવામાં આવ્‍યા હતા જેની હારમાળા દેખાઇ હોવાની સંભાવના : સ્‍ટાર ગેઝિંગ ઇન્‍ડિયાના નરેન્‍દ્ર ગોર સાગરનો અભિપ્રાય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ : ગઈકાલ શનિવારે સાંજે પોણા નવના સુમારે વાયવ્‍યથી અગ્નિ ખૂણા તરફ જતી પ્રકાશિત ઉપગ્રહોની હાર કચ્‍છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્‍તારોના આકાશમાં દેખાતાં લોકોમાં કુતૂહલ ફેલાયું હતું અને મોબાઈલ કેમેરાથી ફોટો અને વીડિયો લેવાના શરૂ થઈ ગયા હતા. ઉપગ્રહોની હાર લાંબી હોઈ મિત્ર વર્તુળમાં જાણ કરવા મોબાઈલ ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી તો કેટલાક લોકો એ સ્‍ટારગેઝિંગ ઇન્‍ડિયા તથા અખબારી કચેરીઓને ફોન લગાવી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી.

આ બાબતે સ્‍ટાર ગેઝિંગ ઇન્‍ડિયાના નરેન્‍દ્ર ગોર સાગરે જણાવ્‍યું હતું કે ખુબજ ચર્ચિત શ્રીમાન એલ. એન. મસ્‍કની કંપની સ્‍પેસ એક્‍સ દ્વારા તા. ૧૭ જૂનના ભારતીય સમય મુજબ ૨૧.૩૯ કલાકે ૫૩ ઉપગ્રહો એક સાથે છોડવામાં આવ્‍યા હતા. જેની હારમાળા દેખાઈ હોવાની સંભાવના છે.આ ઉપગ્રહો ફાલ્‍કન -૯ રોકેટની મદદથી અમેરિકાના ફલોરિડાના કેનેડી સ્‍પેસ સેન્‍ટર ખાતેથી પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું હતું.

ઉપગ્રહો મારફતે ઈન્‍ટરનેટ સેવા ઉપલબ્‍ધ કરાવવા માટેની મહત્‍વકાંક્ષી યોજના અન્‍વયે અત્‍યાર સુધી ૨૭૦૯ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકી દેવાયા છે તથા આવા હજારો ઉપગ્રહોનું ઝાળું બનાવવાની યોજના છે.

આ બાબતે વધુ માહિતી આપતાં શ્રી ગોર જણાવે છે કે આગામી સમયમાં પણ આવાં જ બીજા ઉપગ્રહો ચડાવવા માટેનું કાઉન્‍ટ ડાઉન ચાલુ છે ત્‍યારે આગામી એકાદ બે દિવસમાં બીજી ટ્રેનો જોવા મળવાની સંભાવના નકારી શકાય નહીં.

(10:21 am IST)