Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

જામનગરમાં વિરાંજલી કાર્યક્રમ 'નંબર વન' પરંતુ વ્યવસ્થાના નામે...?

પ્રદર્શન ગ્રાઉન્ડમાં જનમેદની ઉમટી પડી : આમંત્રીતોની વ્યવસ્થા જાળવવામાં જબરી ઉણપ જોવા મળી

રાજકોટ તા. ૨૦ : જામનગરના પ્રદર્શન મેદાન ખાતે ભારતના આઝાદીના ૭૫ના વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોની વિવિધ કૃતિઓ સાથેના વિરાંજલી કાર્યક્રમ નું લોકોમાં આકર્ષણ પણ ભારે હતું અને સરકારી તંત્ર તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આરંભે સૂરા અને વ્યવસ્થામાં અધૂરા એવા દ્રશ્યો ઉડીને આંખે વળગે તેવા હતા.

જામનગરમાં વીરોની યાદ માં ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। વિભાગ દ્વારા વતન વિખરાયેલા વીરોની વાતને લઈને ખાસ બનાવાયેલા વિરાંજલી કાર્યક્રમ માં સાઈરામ દવે લિખિત અને જામનગરના દિગ્દર્શક વિરલ રાચ્છ દ્વારા અદભુત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ વિરાંજલી કાર્યક્રમ દરમ્યાન રાજયના ગૃહ મંત્રી અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રીના આગમન પૂર્વે જ વ્યવસ્થાનો ચોક્કસ અભાવ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રદર્શન મેદાનની બહાર ૫૦૦ જેટલા વીઆઈપીઓ પણ કાર્યક્રમ શરૂ થઈ ગયો ત્યારે જોવા મળ્યા હતા અને પ્રવેશ માટેની કોઇ વ્યવસ્થા ન હોય તેવું ઉડીને આંખે વળગ્યું હતું.

જામનગર શહેરનું કલેકટર સહિત આખું તંત્ર વિરાંજલી કાર્યક્રમ માટે છેલ્લા કેટલાક દિવસથી મહેનત કરી રહ્યું હતું અને અધૂરામાં પૂરું સત્ત્।ાપક્ષ ભાજપના પક્ષના સંગઠન પાંખ દ્વારા પણ બુથ લેવલે લોકોને આ કાર્યક્રમમાં જોડાવા એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કર્યા હતા.

પરંતુ મહત્વની વાત તો એ છે કે, જયારે આમંત્રણ અપાયા મુજબની વ્યવસ્થા અંગે કાર્યક્રમ સ્થળે વ્યવસ્થા જ ન હતી. જેને લઇને દેશભકિતના આ વિરાંજલી મલ્ટીમીડિયા શો નિહાળવા આવેલા લોકોમાં પણ કચવાટ દર્શાતો હતો. બીજી તરફ મીડિયાકર્મીઓ અને આમંત્રિતો માટે પણ વ્યવસ્થાનો ચોક્કસ અભાવ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા અવારનવાર કહેવામાં આવ્યું છે કે, ખાસ પ્લાનિંગ સાથે તમામ કાર્યક્રમો યોજવા ભાજપના કાર્યકરોને તાલીમબધ્ધ રીતે સજ્જ કરાઇ રહ્યા છે. પરંતુ જાણે હાથ ઉંચા કરી લીધા હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય બાદ જયારે પત્રકારો પણ વ્યવસ્થા ન થતા કાર્યક્રમ છોડીને નીકળી રહ્યા હતા ત્યારે જ ભાજપના પ્રવકતા ઋત્વિજ પટેલ ને આ અંગે ધ્યાન દોરાયું તે પછી ભાજપના શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાએ તાત્કાલિક વ્યવસ્થા કરાવી હતી. જો કે તો પણ અનેક મીડિયાકર્મીઓ કાર્યક્રમ શરૂ થયો ત્યારે પણ ઉભા હતા.

જામનગરમાં વિરાંજલી મલ્ટી મીડિયા શો કાર્યક્રમનું આયોજન તો ખૂબ જ ભવ્ય અને લોકોને આકર્ષતું હતું. રાજયના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। વિભાગ દ્વારા ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો આર.સી.ફળદુ, હકુભા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર ઉપરાંત ભાજપના તમામ સંગઠનના હોદ્દેદારો પણ અહીં ઉપસ્થિત હતા. અને વ્યવસ્થા માટે પણ પહેલેથી જ ભાજપના સ્થાનિક નેતાઓ ચિંતા કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદર્શન ગ્રાઉન્ડ જાણે ટૂંકું પડ્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અધૂરામાં પૂરૃં કાર્યક્રમના પ્રથમ હરોળમાં મોટાભાગના ભાજપના સામાન્ય કાર્યકરો અને જેને અંતિમ હરોળમાં સ્થાન હોય તેવા લોકો પણ અગ્રીમ હરોળમાં જોવા મળ્યા હતા. તંત્ર અને ભાજપ દ્વારા આગ્રહપૂર્વક આ કાર્યક્રમમાં પધારવા જેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓના માન સન્માનને ઠેસ પહોંચે તે પ્રકારની વ્યવસ્થા જોવા મળી હતી. એક તબક્કે તો જામનગરના એસડીએમ પણ તેમની નિયત કરેલી જગ્યા ન મળતાં ઉભા જોવા મળ્યા હતા. તો બીજી તરફ સ્ટેજ સુધી જયાં વીઆઇપી વ્યવસ્થા કરવામાં આવી હતી તેની આગળ છેલ્લે આવેલા લોકો ભારતીય બેઠક વ્યવસ્થામાં નીચે બેસી ગયા હતા. જેથી કાર્યક્રમને ચોક્કસ માણવા માટે લોકો આવ્યા હતા પરંતુ વ્યવસ્થાના અભાવે વ્યવસ્થિત આ કાર્યક્રમ લોકો માણી શકયા ન હતા. દેશભકિતના આવા કાર્યક્રમને લઇને કલેકટરશ્રી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પણ લોકોને પાસ સાથે જ એન્ટ્રી આપવાની વાત કરવામાં આવી હતી અને લોકોને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ પણ કરવામાં આવી હતી.

જામનગરમાં વિરાંજલી કાર્યક્રમ દરમ્યાન પત્રકારોની વ્યવસ્થા ન થઈ હોય તેવું ઊડીને આંખે વળગ્યું હતું. સરકારી તંત્રના આ કાર્યક્રમ અને ભાજપનો પહેલેથી જ જેમાં સિંહફાળો છે તેવા વિરાંજલી કાર્યક્રમ ઉપરાંત અવારનવાર સરકારી કાર્યક્રમોમાં પત્રકારો માટેની વ્યવસ્થા કે માન-સન્માન જળવાય તે પ્રકારનું વતન છેલ્લા કેટલાય સમયથી લાગી રહ્યું છે. ત્યારે સરકારી માહિતી તંત્ર માટે પણ આ બાબત શરમજનક કહેવાય. અગાઉ જામનગરમાં ગોરધનપર પાસે વડાપ્રધાનશ્રીના આયુર્વેદ સંસ્થાન ના ગ્લોબલ સેન્ટર ફોર ટેડીશનલ મેડિસિનના લોકાર્પણ પ્રસંગે પણ કોઈ જ વ્યવસ્થા ન હતી અને પત્રકારોમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ પણ અનેક એવા કાર્યક્રમો થઈ ચૂકયા છે જેમાં સરકારી તંત્રની આંખ મીંચાણી નજરે પડી રહી છે. એક પછી એક કાર્યક્રમોમાં વ્યવસ્થાના અભાવની હકીકત શું સુચવી રહી છે તે તો મીડિયા જગતે જ વિચારવું રહ્યું.

(1:25 pm IST)