Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દ્વારકા નજીક પુરપાટ જતાં ટ્રેકટરની અડફેટે આશાસ્પદ વાઘેર યુવાનનું કરૂણ મોત

જામ ખંભાળિયા,તા. ૨૦: દ્વારકા તાલુકાના ગોરીંજા ગામના વાડી વિસ્તારમાં રહેતા ધર્મેશભા જેઠાભા બઠીયા નામનો ૨૨ વર્ષનો હિન્દુ વાઘેર યુવાન ઓવર બ્રિજ પાસે માર્ગ પરથી પોતાના જી.જે. ૧૦ સી.સી. ૦૧૯૯ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે.૧૦ બી.જી. ૮૫૯૧ નંબરના ટ્રેકટરના ચાલક વનરાજભા નંઢાભા માણેક (રહે. બરડીયા) એ ધર્મેશભાના મોટરસાયકલ ધડાકાભેર સાથે અકસ્માત સજર્યો હતો.

આ અકસ્માતમાં ધર્મેશભાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. જયારે આ અકસ્માતમાં કિશનભા અને કાનાભા નામના અન્ય યુવાનોને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી, આરોપી ટ્રેકટર ચાલક નાસી છુટયો હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ શિવુભા જેઠાભા બઠીયા (ઉ.વ. ૨૪) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ટ્રેકટર ચાલક વનરાજભા સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ ૩૦૪(એ) તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ઘરી છે.

ખંભાળિયામાં બાઇકની ઉઠાંતરી : કાયદાથી સંઘર્ષિત કિશોર ઝબ્બે

ખંભાળિયાના શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના વતની સુરેશભાઈ જોહરાજી સોલંકી નામના ૩૫ વર્ષના યુવાનની માલિકીનું રૂપિયા ૧૫ હજારની કિંમતનું જી.જે. ૧૦ બી.એ. ૪૧૩૨ નંબરનું હોન્ડા સીડી ડીલકસ મોટરસાયકલની ચોરી થવા અંગેની ફરિયાદ શનિવારે અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

આના અનુસંધાને ખંભાળિયા પોલીસ દ્વારા કરવામાં આવેલી શોધખોળ તેમજ પોકેટકોપ એપ્લિકેશન અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી, આ ગુનામાં સંડોવાયેલા અત્રે ગુલાબનગર વિસ્તારમાં રહેતા સાડા પંદર વર્ષના એક કાયદાથી સંઘર્ષિત કિશોરને ચોરીના ઉપરોકત હોન્ડા મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. પી.એમ. જૂડાલ તથા સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, ખીમભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

(1:33 pm IST)