Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

૨૬મીથી સાર્વજનિક વરસાદઃ સમુદ્રમાં નવી બનતી સિસ્‍ટમ : ભારે બફારાથી લોકો અકળાયા

મહુવાના મોટી જાગધાર ગામે વીજળી પડતા બે મજૂરના મોતઃ ભાવનગરની જેમ સુરેન્‍દ્રનગર જીલ્લામાં પણ પાંચ દિ'થી મેઘાનો મુકામ

રાજકોટ, તા.૨૦: ગઇકાલે સૌરાષ્‍ટ્રમાં અડધોથી ૪ જેવો વરસાદ વરસી ગયો છે જો કે હજુ અનેક વિસ્‍તારો કોરા રહ્યા હોઇ ભારે બફારામાં સપડાયા છે.

અહેવાલ મુજબ ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસુ જામી રહ્યું છે. રવિવારે ૮૦થી વધુ તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે તો સામાન્‍ય જનતાને ગરમીથી છૂટકારો મળ્‍યો છે. ગઇકાલે રાજ્‍યમાં સૌથી વધુ વિસાવદરમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે હવામાન વિભાગ દ્વારા સોમવારે ૧૪ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં ૨ જિલ્લા વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્‍ટ્રના ૫ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ, મધ્‍ય ગુજરાતમાં પણ સમાન્‍ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્‍ણાત પરેશ ગોસ્‍વામીએ ચોમાસાની આગાહી કરતા જણાવ્‍યું છે કે, ૨૬ કે ૨૭ જૂનથી રાજ્‍યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમના જણાવ્‍યા પ્રમાણે, અરબી સમુદ્રમાં નવી સિસ્‍ટમ બની રહી છે. જેથી ૨૬ કે ૨૭ જૂનથી રાજ્‍યમાં સારો વરસાદ વરસી શકે છે. ૩૦ જૂન સુધીમાં રાજ્‍યનાં ૯૫ ટકા વિસ્‍તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જુલાઇ મહિનામાં રાજ્‍યમાં વરસાદી હેલી જામવાની આગાહી પણ તેમણે કરી છે.

હવામાન વિભાગના જણાવ્‍યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્‍ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

ભાવનગર શહેરમાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે. રવિવાર સવારથી કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા અને અચાનક જ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર વરસી હતી. મહુવાના મોટી જાગધાર ગામે વરસાદી માહોલમાં વીજળી પડતા બે લોકોના મોત નિપજયા છે. મનરેગા રાહતના કામગીરી કરતા મજૂરો પર વીજળી પડી હતી. અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છેલ્લા ૧૧ દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જ્‍યારે આજે પણ જાફરાબાદ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં પવન સાથે વરસાદ વરસ્‍યો હતો.

સુરેન્‍દ્રનગર જીલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાનો મુેકામ રહ્યો છે અલગ-અલગ તાલુકાઓમાં દરરોજ હળવાથી મધ્‍યમ ઝાપટા વરસી જાય છે. ગઈકાલે શનિવારે ચોટીલા, લીંબડી   અને સાયલા  એમ ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ચોટીલા, લીંબડી અને સાયલા પંથકમાં વરસાદી ઝાપટા પડયા હતા જોકે, ચોટીલામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો સવારના ૬ થી સાંજના ૬ વાગ્‍યા સુધીમાં ચોટીલા, તાલુકામાં ૧૮ મી.મી, લીંબડી તાલુકામાં ૮ અને સાયલા તાલુકામાં ૮ મી.મી. વરસાદ નોંધાયો હતો હજુ પણ મઘાંડબર છવાયેલ છે અને ગમે ત્‍યારે વરસાદ પડવાની સંભાવના છે. ત્રણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થતાં અને વાતાવરણમાં વાદળા ગોરંભાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્‍યાપી છે. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.

(1:39 pm IST)