Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કચ્છમાં કોરોના વિસ્ફોટ : વધુ બે જીવ લીધા : નવા ૧૯ કેસ

કોરોનામાં ૧૭ના જીવ ગયા : કંડલા પોર્ટના પૂર્વ ટ્રસ્ટી, યુનિયન લીડર મનોહર બેલાણીને કોરોનાઃ ભુજમાં ૫ કેસ : પતિ પછી પત્ની, પુત્રી સંક્રમિત : નલિયામાં ૫ કેસથી હડકંપ : કુલ ૩૩૨ દર્દી

 ભુજ તા. ૨૦ : કચ્છમાં કોરોના વિસ્ફોટને પગલે ફફડાટ મચી ગયો છે.ઙ્ગ જીવલેણ બની રહેલા કોરોનાએ વધુ બે ના જીવ લીધા છે. તો બેકાબૂ બની રહેલી પરિસ્થિતિ વચ્ચે ભુજમાં, નલિયામાં, મુન્દ્રામાં અને આદિપુરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને એક સામટા ૧૯ કેસ નોંધાયા છે. ગઈ કાલે રવિવારે વધુ બે મોત નિપજયા હતા. ભુજની કોવિડ હોસ્પિટલમાં દાખલ (૧) જયાબેન ઠકકર, ઉ.૬૦, રહેવાસી ભારતનગર, ગાંધીધામ, (૨) જીવણભાઈ ગજરા, ઉ. ૬૩, રહેવાસી દદામાપર, નલિયાના મોત નિપજયા હતા. બન્ને મૃતકો બાયપેપ અંતર્ગત વેન્ટીલેટર ઉપર હતા. ડાયાબિટીસ સહિત બીજી બીમારી હતી. બન્નેના મોત સારવાર દરમ્યાન હાર્ટએટેકથી નિપજયા હતા.

પોઝિટિવ દર્દીઓ સાથે કોરોનાએ કચ્છને પોતાના ભરડામાં લીધું હોય તેમ એક જ દિવસમાં ૧૯ કેસ સાથે ભુજ, નલિયામાં પાંચ પાંચ દર્દીઓ નોંધાતાં સોસાયટી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ભુજના પ્રમુખસ્વામીનગરમાં ઓધવ પાર્કમાં સુરતથી આવેલા મહેશ ગઢવી સંક્રમિત થયા પછી તેમના પત્ની અને પુત્રીને પણ કોરોના આવ્યો છે.

ભુજની ઉમેદનગર કોલોનીમાં બે સગા ભાઈઓ સહિત ત્રણને કોરોના પોઝિટિવ આવતાં સોસાયટીમાં કોરોનાના ભયથી ફફડાટ મચી ગયો છે. ગાંધીધામમાં રહેતા કંડલા પોર્ટના પૂર્વ ટ્રસ્ટી અને યુનિયન લીડર મનોહર બેલાણીને કોરોના થતાં કંડલા પોર્ટ સહિત કામદાર વર્ગમાં સોંપો પડી ગયો છે, સાથે સાથે ભય પણ ફેલાઈ ગયો છે. નલિયામાં ૫ કેસમાં એક જ સોસાયટીમાં એક સાથે ૪ પોઝિટિવ દર્દીઓએ ગભરાટ ફેલાવ્યો છે.

કોરોનાના નવા દર્દીઓમાં ભુજમાં ૫, નલિયામાં ૫, રાપરમાં ૨, આદિપુરમાં ૨, મુન્દ્રામાં ૨ અને વરસામેડી (અંજાર), માધાપર (ભુજ), મોથાળા (અબડાસા)માં એક-એક એમ કુલ આજે ૧૯ દર્દીઓ સાથે આજ સુધીની આંકડાકીય માહિતી આ પ્રમાણે છે. કુલ મૃત્યુ આંક ૧૭, કુલ દર્દીઓ વધીને ૩૩૨, હોસ્પિટલમાં દાખલ ૧૦૧ અને સાજા થયેલા ૨૧૪. કુલ દર્દીઓ વધીને ૩૩૨ થયા છે.

(10:27 am IST)