Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ધોરાજીમાં કોરોનાનો કાળો કેરઃ સદી વટાવી : તંત્રની નિષ્ક્રિયતા ?

રવિવારે વધુ ૧ કોરોના પોઝિટિવ સાથે કુલ ૧૦૧ કેસઃકેસ રોકેટ ગતિએ વધ્યાઃ ટ્રાવેલ હિસ્ટરી સાથે લોકલ સંક્રમણ પણ વધતા ચિંતાનો વિષય

 ધોરાજી,તા.૨૦ : ધોરાજીમાં કોરોનાનો કાળો કેર સદી વટાવી આરોગ્ય તંત્રની ઘોર નિષ્ક્રિયતા સાબિત થઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓછા સેમ્પલ લેવામાં આવતા હોવા છતાં પણ રોકેટ ગતિએ વધી રહેલો કોરોનાનો વ્યાપ થી ધારાસભ્યએ પણ આ બાબતે ડેપ્યુટી કલેકટરને રૂબરૂ રજૂઆત કરી છે.

કોરોનાના કેસો રોકેટ ગતિએ વધતા ચિંતાનો વિષય સર્જાયો છે. રવિવારે ધોરાજી શહેરમાં એક કેસ કોરોના પોઝિટિવ વધતા કુલ આંક ૧૦૧ એ પહોંચ્યો છે.

રવિવારે ધોરાજીના નવા બસ સ્ટેન્ડ સામે રહેતા ૭૧ વર્ષીય પુરૂષને કરોના પોઝિટિવ આવેલ તેમજ છેલ્લા ૨૪ ધોરાજી શહેરમાં વઘાસિયા ચોરા, મોચી બજારમાં ૩૮ વર્ષીય યુવાન અને ફરેણી સ્વામિનારાયણ મહામંત્ર ધામમાં ૪૫ વર્ષીય સાધુને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ પાંચ લોકોના મૃત્યુ નિપજયા છે.

આ બાબતે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ પણ ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગમાં ડેપ્યુટી કલેકટરને આક્ષેપ કરતા જણાવેલ કે આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના નો સાચો આંકડો છુપાવી રહ્યા છે તેમજ જે પ્રકારે નમુના લેવામાં આવતા હતા તે નમૂના પણ ઓછા લેવાઈ રહ્યા છે જેના કારણે ધોરાજીમાં સંક્રમણ વધ્યું છે આ બાબતે તાત્કાલિક શું કરવું જોઈએ તેવું  જણાવ્યું હતું

પોઝિટિવ કેસોમાં શહેરી વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે જયારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના ના કેસો મળી રહ્યા છે.ધોરાજી શહેરમાં ખાસ પ્રભાવિત વિસ્તારમાં જમનાવડ રોડ, હિરપરા વાડી, જેતપુર રોડ, માતાવાડી, સ્ટેશન પ્લોટ અને પોસ્ટ ઓફીસ પાસેના વિસ્તાર સંવેદનશીલ ગણી શકાય. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ ઓછું છે. છતાં સુપેડી, મોટીમારડ, જમનાવડ સહિત ગામોમાં કોરોના પોઝિટિવ કેસો આવવા લાગ્યા છે.અત્યાર સુધી ધોરાજી શહેરમાં આવેલા કેસો ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા હતા. જેમાં સુરત, મુંબઇ અને અન્ય શહેરોની ટ્રાવેલ હિસ્ટરી હતી. જે હવે લોકલ સંક્રમણ માં તબદીલ થવા લાગતા ગંભીર ચિંતાનો વિષય આરોગ્ય વિભાગ માટે અને નાગરિકો માટે બની રહ્યો છે.ધોરાજી શહેરના કેસો રાજકોટ જિલ્લામાં સૌથી મોખરે છે. જેને લઈ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા છેલ્લા ૧૫ દિવસથી સ્વૈચ્છિક રીતે વેપારીઓએ બપોરે બે વાગ્યા સુધી દુકાનો ખોલી ત્યારબાદ દુકાનો અને કામધંધા બંધ રાખી જન આરોગ્ય માટે ઉત્ત્।મ પગલું ભર્યું છે.કોરોના કાળમાં પ્રથમ તબક્કામાં બે મહિના લાબું લોક ડાઉન સળંગ ચાલ્યું હતું. હવે ફરી ૧૫ દિવસ માટે અડધો ટાઈમ દુકાનો બંધ રાખતા વેપારીઓ માટે ખુબજ કપરો સમય બની રહ્યો છે.

ખાસ કરીને નાના વેપારીઓ અને લારી, ગલ્લા કે ફાસ્ટ ફૂડના ધંધાર્થીઓને ભારે નુકશાની અને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

(11:41 am IST)