Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખના જન્મદિનની ઉજવણીમાં સોશ્યલ ડીસ્ટન્સ નિયમ પળાયા નહિ?

બાબુભાઇ બોખીરીયા સિવાય મોટાભાગના મહેમાનોએ માસ્ક પહેર્યા નહીં: સોશ્યલ ડીસ્ટન્સ ભુલાયુ : રમેશભાઇ ધડુકે માસ્ક ગળે લટકાવ્યું

પોરબંદરમાં સોશ્યલ ડીસ્ટન્સ ભૂલાયું: પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની જન્મદિનની ઉજવણીની તસ્વીરમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સિવાય માસ્ક પહેર્યા વિના સોશ્યલ ડીસ્ટન્ટ વિના ઉભા રહેલ મહેમાનો તેમજ સાંસદ રમેશભાઇ ધડુકે માસ્ક ગળે લટકાવ્યું તે નજરે પડે છે. (તસ્વીર : સ્મીત પારેખ, પોરબંદર) (૯.ર)

પોરબંદર, તા. ર૦ :  ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાના જન્મદિનની ઉજવણીમાં ઉપસ્થિત સંખ્યાબંધ મહેમાનો માસ્ક પહેર્યા વિના અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યા વિના જોવા મળ્યાં હતા. આ જન્મદિનની ઉજવણીમાં ઉપસ્થિત ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ માસ્ક પહેર્યુ હતું અને સાંસદ રમેશભાઇ ધડુકે માસ્ક ગળે લટકાવેલ જોવા મળ્યા હતાં. ચેમ્બરના પ્રમુખના જન્મદિનની ઉજવણીમાં લોકડાઉનના નિયમ પળાયા નહિ તેની ચર્ચા ઠેર-ઠેર થઇ હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાના જન્મદિનની ઉજવણીમાં ધારાસભ્ય સાંસદ સહિત મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યાં હતાં. અને જન્મદિનની ઉજવણીમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, સાંસદ રમેશભાઇ ધડુક પાલિકાના સ્ટેડીંગ કમિટીના પૂર્વ ચેરમેન સરજુભાઇ કારીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

જન્મદિનની ઉજવણીનાં ઉત્સાહમાં ઉપસ્થિત મહેમાનો માસ્ક પહેરવાનું તથા સોશ્યલ ડીસ્ટન્સ રાખવાનું ભૂલી જતા ભારે જોખમ સર્જાયેલ.

ચેમ્બર પ્રમુખના જન્મદિનની ઉજવણીમાં મોટાભાગના મહેમાનો એકબીજાથી દૂરથી નમસ્કાર કરવાને બદલે હાથ મીલાવી લોકડાઉનના નિયમ ભંગ કરતા જોવા મળ્યા હતાં. જન્મદિનની ઉજવણીમાં બાબુભાઇ બોખરીયાએ માસ્ક પહેર્યુ હતું. અને સાંસદ રમેશભાઇ ધડુકે માસ્કથી નાક અને મહો ઢાંકવાને બદલે સ્વાભાવિકપણે માસ્ક નીચે ઉતારેલ અને ગળે લટકાવેલ જોવા મળ્યા હતાં. 

જન્મદિનની ઉજવણીમાં પાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઇ મજીઠિયા અને નગરપાલિકા સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન સરજુભાઇ કારીયા પણ માસ્ક વિના જોવા મળ્યા હતાં.  શહેરમાં આમ જનતા લોકડાઉનના નિયમ ભંગ કરે તો કડક પગલા લેવાય છે. તેની ભારે ચર્ચા છે. 

(1:21 pm IST)