Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રાજુલા જાફરાબાદ તાલુકાના સોમનાથ હાઇવે માર્ગની ગાડામારગથી પણ બદતર હાલત

ધારાસભ્ય ડેરે સાંસદ સુધી રજુઆત કરી પણ પરિણામ શૂન્ય

રાજુલા,તા. ૨૦: રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર -સોમનાથ માર્ગની હાલત ગામડાના રસ્તા કરતા બદતર થઇ છે. આ માર્ગને નેશનલ હાઇ-વેનું નામ આપેલ છે. ભા.જ.પના નેતાઓ દ્વારા અનેક રજુઆતો સરકારમાં નઝર-અંદાજ કરવામાં આવેલ છે. નેશનલ હાઇવેનું કામ છેલ્લા ચાર વર્ષથી ગોકળ ગતિયે ચાલુ છે. આ કામ શરૂથી વિવાદમાં રહ્યું છે.

૨૦૧૬થી શરૂ થયેલ કામ કયારે પુરૂ થાય તેની કોઇને જાણ નથી સમય મર્યાદા પુરી થઇ છે. કામ કરતા કોન્ટ્રાકટરો દર વર્ષે બદલાય છે. અધિકારીઓ કંઇ સાંભળવા તૈયાર નથી. રાજુલાથી  દર્દીઓને રીફર મોટા ભાગે મહુવા અથવા ભાવનગર કરવામાં આવે ત્યારે મહુવા પહોંચતા દોઢ કલાક જેટલો સમય લાગે છે. જ્યારે આ અંતર કાપવા માત્ર પીસ્તાલીસ મિનિટ લાગે મોટા ખાડા હીલોળા લેતા આ માર્ગે અકસ્માતો થતા રહે છે.

અહિં એમ્બ્યુલન્સ માર્ગ ખરાબના કારણે સમયસર પહોંચી શકતી નથી. દર્દીઓ -અકસ્માતનો ભોગ બનનાર મોતના મોઢામાં પહોંચી જાય. ગામડાઓમાંથી આવતા પ્રસુતિના કેસમાં પારાવાર મુશ્કેલી થઇ રહી છે. પ્રજાજનોને આશ્વસ્વ કરવા માટે મોટા ગાબડા માટી નાખી બુરી દેવામાં આવે છે. જે ત્રણથી ચાર દિવસમાં હાલત જૈસે થે જેવી થાય છે.

ચોમાસામાં ખાડામાં કાદવ-કીચડના કારણે વાહનો સ્લીપ થાય છે. પાણી ભરેલ ખાડા સામાન્ય હશે તેમ સમજી વાહન ચાલક ચલાવે અને અકસ્માત સર્જાય છે. આ કામગીરીથી આગામી ચૂંટણીમાં ભા.જ.પ.ને ખોટ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ગંભીર સમસ્યા હાલ ઉડીને આંખે વળગે તેવી છે.

અનેક ઉદ્યોગો સાથે જોડાણ ધરાવતા આ માર્ગનું કામ તાકીદે પૂર્ણ કરી રાજુલાની જનતાને ન્યાય આપવા ધારાસભ્ય અંબરીષ ડેરે માંગણી કરી છે.(

(1:01 pm IST)