Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં આનંદ ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ .

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઇશ્રી અને ઋષિકુમારો દ્વારા શ્રીમદ્ભાગવતના પાઠ અને સંકીર્તન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ રાત્રે બરાબર ૧૨ વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે બાલકૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવ્યા.
પૂજ્ય ભાઇશ્રી દ્વારા ભગવાન બાલકૃષ્ણના બાળસ્વરૂપને  વિધિવત્ મંત્રોચ્ચાર દ્વારા વિવિધ દ્રવ્યો વડે અભિષેક-સ્નાન કરાવવામાં આવ્યું તથા નવા વસ્ત્રો અને આભૂષણોથી શૃંગાર કરવામાં આવ્યો અને આરતી કરવામાં આવી હતી.
બીજે દિવસે તા. 20-08-2022, શનિવારે પૂજ્ય ભાઇશ્રી દ્વારા શ્રાવણ માસમાં નિત્યક્રમ મુજબ ભગવાન ચંદ્રમૌલીશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવામાં આવ્યો.
અભિષેક બાદ પૂજ્ય ભાઇશ્રી દ્વારા નંદોત્સવના દિવસે પારણામાં પધરાવેલા બાલકૃષ્ણની વિધિવત્ પૂજા કરીને સંકીર્તન અને બધાઈ ગીત સાથે હર્ષોલ્લાસ પૂર્વક નંદોત્સવ ઉજવવામાં આવ્યો..પૂજ્ય ભાઇશ્રીએ આ અવસરે ઉપસ્થિત ભાવિકોને આનંદ સાથે રમકડાં અને ચોકલેટ વહેંચી હતી. અંતમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.
સંપૂર્ણ જન્માષ્ટમીના મનોરથી તરીકે શ્રી ગૌરીબેન વિજયભાઇ ગોયલ - મેરઠ એ સેવા આપી હતી. જન્માષ્ટમી અને નંદોત્સવના દિવસે દેશ-વિદેશથી અને પોરબંદર શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા અને ઉત્સવ-દર્શનનો લાભ લીધો હતો.

   
(7:09 pm IST)