Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજુલા તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

રાજુલા : પોલિયો મુક્‍ત ભારત અભિયાન અંતર્ગત રાજુલા તાલુકાના ૭૨ ગામો અને અર્બન એરિયામાં રહેતા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવવા માટેના પહેલા દિવસની બુથ કામગીરીનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ કાતરીયા દ્વારા શહેરની તત્‍વજ્‍યોતિ વિસ્‍તારની આંગણવાડી ખાતેથી દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો અને ક્રમશ વિવિધ ગામના સ્‍થાનિક અગ્રણીઓના વરદ હસ્‍તે પોલિયો રસીના બે ટીપા પીવડાવી શુભારંભ કરાયો.  પ્રથમ દિવસે બુથ કામગીરી તેમજ બીજા અને ત્રીજા દિવસની હાઉસ ટુ હાઉસ કામગીરી દરમિયાન રાજુલા તાલુકાના ૧૮૦૦૦ ઉપરાંત બાળકોને આવરી લેવા માટે આશા બહેનો,આંગણવાડી બહેનો, તેડાગર બહેનો અને આરોગ્‍ય સ્‍ટાફ દ્વારા ખડે પગે હાજર રહી કામગીરી કરવામાં આવનાર છે.  પોલિયો રાઉન્‍ડને સફળ બનાવવા માટે તાલુકા હેલ્‍થ ઓફિસર ડૉ.એન.વી. કલસરિયા દ્વારા પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળાના અધ્‍યક્ષ સ્‍થાને તાલુકા ટાસ્‍કફોર્સ ફોર ઈમ્‍યુનાઇઝેશનની મીટીંગ કરવામાં આવેલ તેમજ જીલ્લા કક્ષાએથી આરોગ્‍ય અધિકારી ડૉ.જયેશ પટેલ અને રસીકરણ અધિકારી ડૉ. અલ્‍પેશ સાલવી સાહેબ દ્વારા સતત માર્ગદર્શન મળી રહ્યું હોવાનું તાલુકા હેલ્‍થ ઓફિસર ડૉ.એન.વી. કલસરિયાની યાદીમાં જણાવેલ છે.

(12:57 pm IST)