Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભાવનગરમાં ડોનેટ રેડ’ અંતર્ગત મહારક્તદાન કેમ્પમાં ગુરુકુળમાં ૧,૮૫૧ બોટલ રક્ત એકત્ર કરાયું

સમાજના નાનામાં નાના માણસથી માંડીને ઉદ્યોગપતિ સુધીના લોકો આ સમાજ સેવાના અદકેરાં કાર્યમાં જોડાયાં

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, ભાવનગરમાં અ.નિ.પ.પૂ. ગુરુવર્યશ્રી નારાયણપ્રિયદાસજીની જન્મજ્યંતિ નિમિત્તે ’ડોનેટ રેડ’ કાર્યક્રમ અંતર્ગત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આયોજક એવાં ખૂદ કે.પી. સ્વામીએ સ્વયં રક્તદાન કરીને સમાજ સેવાના આ ઉમદા કાર્યમાં જોડાઇને અન્યોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું હતું. એક સંત જ્યારે આવું સરાહનીય કાર્ય કરે ત્યારે સમગ્ર સમાજ પણ તેની પાછળ ચાલતો હોય છે. એટલે જ આપણે ત્યાં રાજ્ય ધજા કરતાં ધર્મ ધજા આગળ પડતી રહે છે. તેની પાછળ સંતોની આવી ઉમદા ભાવના રહેલી છે.
એવું કહેવાય છે કે, સેવા કરે તે સંત. આ સૂકિ્તને ખરા અર્થમાં સાકાર કરવાં કે.પી. સ્વામીજીની પ્રેરણાથી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, રિક્ષાચાલકો, બસ ડ્રાઈવરો વગેરે સ્વૈચ્છિક રીતે આ ભગીરથ કાર્યમાં ઉત્સાહથી જોડાયાં સાચા અર્થમાં સમાજ સેવાના અદકેરાં કાર્યમાં સહભાગી બન્યાં હતાં.
નાત-જાત કે ધર્મના ભેદ વિના આ કાર્યમાં આહુતિ અર્પણ કરીને સર્વ સમૂદાયના વાલીઓ આ મહારક્તદાન કેમ્પમાં ખરા અર્થમાં ’રક્તદાન મહીયતે’ સૂત્રને સાર્થક કર્યું હતું. 
તન, મન અને ધનની સેવા કરવી તેમાંનું પ્રથમ એટલે શરીર. માનવ શરીરને જે મૂલ્યવાન લોહી મળ્યું છે તેને બીજાને અર્થે દાન કરવાની સમાજ સેવાના ભાવ સાથે આ સમાજ ઉપયોગી કાર્ય માટે માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ જેવાં શહેરોમાંથી પણ ઉત્સાહથી લોકો જોડાયાં હતાં.
આ જોઈને જાણે અ.નિ.પ.પૂ. સ્વામીજીના અનરાધાર આશીર્વાદ વરસી રહયાં હોય તેવું લાગતું હતું તેમ જણાવી કે.પી. સ્વામીએ. હું મહાન છું એ મહત્વનું નથી, પરંતુ મહાન કાર્યો કરવાં માટે મારાં પ્રયત્નો મહાન હોવાં જોઈએ એ પ્રયત્નોમાં સહભાગી થવાં તેમણે ઉપસ્થિત લોકોને પ્રેરણા આપી હતી.
આ રક્તદાન શિબિરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર કેમ્પસ અને ગુરુકુળની વિવિધ શાખાઓમાં કુલ મળી ૧,૮૫૧ બોટલ રક્ત રક્તદાતાએ રક્તદાન કરી સમાજને એક ઉમદા રાહ ચીંધી હતી. જે સમાજ અને સેવા માટે એક પ્રેરણાદાયી ઉમદા કાર્યની પહેલ છે
આ ભગીરથ કાર્ય માટે ભાવનગર બ્લડ બેંક, સર ટી. બ્લડ બેંક તેમજ બોટાદ બ્લડ બેંકના સહિયારા પ્રયાસથી આ કાર્ય ખૂબ જ સરતાથી થયું હતું. 
આવાં ઉમદા કાર્ય ગુરુકુળ પરિવાર હરહંમેશ સતત કરતું રહ્યું છે. અ. નિ. પ. પૂ. શ્રીનારાયણપ્રિયદાસજીની પૂણ્ય સ્મૃતિ નિમિત્તે આ સતત ૮ વર્ષનાં બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીશ્રી કે.પી.સ્વામીજી,  વિવિધ વિભાગનાં આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવારનાં તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(6:40 pm IST)