Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કાલે વિરપુરમાં પૂ. જલારામબાપા જન્મજયંતિ સાદાઇથી ઉજવાશે

પૂ. જલારામબાપા પરિવાર દ્વારા પૂજન-અર્ચન કાર્યક્રમ : શોભાયાત્રા રદ - આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે : પગપાળા સંઘ સાયકલ યાત્રિકોનું આગમન : રંગોળી -લાઇટ ડેકોરેશન કરાશે

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ),તા. ૨૦: પૂ.જલારામબાપાની કાલે જન્મજયંતિની વિરપુર (જલારામ) ખાતે સાદાઇથી ઉજવણી કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે આ વખતે શોભાયાત્રા સહિતના સામુહિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

કાલે પૂ. જલારામબાપા પરિવાર દ્વારા પૂ. જલારામબાપા જન્મજયંતિ નિમિતે વિશેષ પૂજન -અર્ચન કાર્યક્રમો યોજાશે. આવતીકાલે શનિવારના રોજ સંત શીરોમણી જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતી નિમિતે છેલ્લા બાર વર્ષથી સુરતથી વીરપુર પગપાળા આવતો સંઘ આજે સોળમાં દિવસે વિરપુર આવી પહોંચ્યો હતો. અને કોરોના મહામારી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.જયાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની શનિવારના રોજ ૨૨૧મી જન્મ જયંતી છે. ગયા વર્ષે બાપાના અન્નક્ષેત્રને બસો વર્ષ થતાં અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ચાલુ વર્ષે કોરોના મહામારી હોય પૂજય બાપાની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવશે. દર વર્ષે બાપાની જન્મ જયંતી નિમિત્ત્।ે બાપામાં અતૂટ શ્રદ્ઘા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા ૧૨ વર્ષથી સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો સંઘ આજે આવી પહોંચ્યો હતો. આ સંઘના પરેશબાહી પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે તેઓ ૧૦૦ મહિલા પુરુષોનો સંઘ લઈને દિવાળી પહેલા સાત તારીખે નીકળ્યા હતા. નીકળતા પૂર્વે તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવેલ અને સેનેટાઇઝર, માસ્ક સાથે લઈને તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાલન કરતા નીકળ્યા છીએ. બાપામાં અતૂટ શ્રદ્ઘા પણ કોરોનાથી પણ સાવચેતી રાખીને દિવાળીની પણ રસ્તામાં ઉજવણી કરીને આજે સોળ દિવસે વીરપુર આવી પહોંચી ગયા. અને ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કર્યા હતા તેમજ પૂજય સંત શ્રી જલારામબાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી નષ્ટ થાય અને સૌ કોઈના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.

આવતી કાલે પૂજય જલારામબાપાની ૨૨૧ મી જન્મ જયંતી છે ત્યારે દેશ વિદેશ થી આવતા દર્શનાર્થીઓ માટે પૂજય બાપાના મંદિર તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કોરોનાનું સંક્રમન ન ફેલાઈ તે માટે દર્શનની વ્યવસ્થા સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે સૌ પ્રથમ તો રજીસ્ટ્રેશન ઓફિસમાં રજીસ્ટ્રેશન કરી ટોકન મેળવીને સેનિટાઈઝ કરીને મોઢે માસ્ક ફરજીયાત બાંધીને જ પૂજય બાપાના મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેમજ ભોજન પ્રસાદ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ભોજન પ્રસાદ શ્રી જલારામ ધર્મશાળા ખાતે રાખવામાં આવી છે જયાં ૨૦૦ સ્વયમ સેવકો દ્વારા યાત્રાળુઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે જેમાં ભોજન પ્રસાદ લેવા આવતા યાત્રાળુઓને સોસિયલ ડિસ્ટન્સ તેમજ સેનેટાઇઝ કરીને પ્રવેશ આપવામાં આવે છે જયારે ભોજન પ્રસાદ લેતી વખતે યાત્રાળુઓ એકબીજા થી ત્રણ ફૂટ જેટલુ અંતર રાખીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી ખાસ વ્યવસ્થા કરી છે.

(11:32 am IST)