Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમરેલી જીલ્લામાં શાંત પડેલ કોરોનાનો ફુંફાડોઃ ર દિ'માં ૪ના મોત

તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ-સોશ્યલ ડિસ્ટન્સ-માસ્ક-સેનેટાઇઝ સહિતની કામગીરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦ :.. અમરેલી જિલ્લામાં શાંત પડેલ કોરોના એ ફુંફાડો માર્યો છે. અને કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે બેસતા વર્ષ પછી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હોય કોરોનને રોકવા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા કડક પગલાઓ શરૂ કરવામાં આવ્યા છે બેસતા વર્ષના દિવસે આવેલા બે ચાર કેસ વધીને સીધા રર ઉપર પહોંચી ગયા છે. જયારે અત્યાર સુધી લોકો અને તંત્ર વચ્ચે સેતુરૂપ કામગીરી કરનાર અને વખતો વખત એકપણ ખાડો પાડયા વગર મીડીયા સુધી કોરોનાની માહિતી પહોંચાડનાર જિલ્લા માહિતી અધિકારીશ્રી સુમિત ગોહીલ પણ કોરોનાની ઝપટમાં આવી જતા ચિંતાની લાગણી પ્રસરી છે.

દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ વધારે થઇ હોય કોરોના સંક્રમણ ફેલાયુ હોય હવે પછીના અઠવાડીયામાં મોટા પ્રમાણમાં કેસો સામે આવે તેવી શકયતાને જોઇને તંત્ર દ્વારા કડક પગલા શરૂ કરાયા છે અમરેલી શહેરમાં એસડીએમ શ્રી સી. કે. ઉંઘાડ તથા પાલીકાના શ્રી હસમુખ દેસાઇ, રાજુલામાં મામલતદારશ્રી ગઢીયા સહિતની ટીમ અને જિલ્લાના સાવરકુંડલા સહિતના પાલીકા વિસ્તારોમાં પાલિકા, પોલીસ, પંચાયત, આરોગ્યની ટીમોને મેદાનમાં ઉતારાઇ છે આ ટીમ દ્વારા માસ્ક વગરના લોકોને ૧૦૦૦નો દંડ અને દંડ ન હોય તો પોલીસને સોંપી દેવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

અમરેલીના પ્રાંત અધિકારીશ્રી ઉંઘાડે જણાવ્યુ હતું કે અમરેલી શહેરમાં ૧૦ દિવસ સુધી આ ડ્રાઇવર ચાલુ રહેશે અને આજે મીઠાઇના વેપારીઓના મળી કુલ ર૯ આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા છે લોકો સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરે અને ખાણીપીણીની દુકાનો, ધાર્મિક સ્થળોએ એક સાથે ભેગા ન થાય અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવે તથા તકેદારી રાખે તે માટે તંત્ર દ્વારા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન અને સુચના હેઠળ અનેક પગલાઓ શરૂ કરાયા છે.

બીજી તરફ જિલ્લામાં તા. ૧પ ના રોજ ચાર કેસ, તા. ૧૬ ના બે કેસ, તા. ૧૭ ના ૧ર કેસ અને તા. ૧૮ ના રર કેસ આવ્યા છે અને બે દિવસમાં ચાર દર્દીઓના મૃત્યુ નિપજયા છે. તા. ૧પ ના દામનગરના પટેલ  શેરીમાં રહેતા ૭ર વર્ષના મહિલા દર્દીનું મૃત્યુ નિપજયુ હતુ અને કાલે તા. ૧૮ ના અમરેલીના નાના ગોખરવાળા ગામના ૭૦ વર્ષના વૃધ્ધ તથા અમરેલીના શંભુપરા ગામના ૬ર વર્ષના વૃધ્ધનું મોત નિપજયુ હતું તા. ૧૯ ના અમરેલી શહેરના ચિતલ રોડે શ્રીરંગ સોસાયટીમાં રહેતા ૭પ વર્ષના  વૃધ્ધા તથા ધારીમાં રહેતા ૭૦ વર્ષના વૃધ્ધ દર્દીઓના મૃત્યુ નિપજયા હતાં.

હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર ભારત સહિત ગુજરાત રાજયમાં પણ તેનો પ્રકોપ ફેલાયેલ હોય, તદ ઉપરાંત હાલમાં દિપાવલી સહિત ભાઇબીજ જેવા તહેવારો પુર્ણ થયેલ હોય, આ તહેવારની સીઝનમાં અમરેલી શહેર તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી નાગરીકો તહેવારને અનુલક્ષી ખરીદી માટે અમરેલી શહેરની બજારમાં કોઇપણ સોશ્યલ ડીસ્ટન્સ કે ચહેરા પર માસ્ક પહેર્યા વગર ખરીદી કરતા હોય છે. જેના કારણે છેલ્લા બે દિવસથી અમરેલી શહેરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવા પામેલ છે. (પ-૧૩)

માહિતી કચેરીનાં સુમિત ગોહીલને કોરોના પોઝીટીવ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦ :.. કોરોનાના સમયે સતત ફરજ બજાવનાર અમરેલી જિલ્લા માહિતી અધિકારી શ્રી સુમિત ગોહીલ કોરોનાગ્રસ્ત થયા છે રેપીડ એન્ટીજન ટેસ્ટ અને આરટીપીસીઆર બંનેમાં પોઝીટીવ આવતા ઉધરસ સહિતની  તકલીફો સાથે હોમ કવોરન્ટાઇન થયા છે અને કોરોનાગ્રસ્ત થવા છતા ફરજ બજાવવાનું શરૂ રાખ્યું છે. શ્રી ગોહીલ તેમના મિલનસાર અને ઉત્સાહી સ્વભાવ માટે જાણીતા છે.

(12:56 pm IST)