Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ડ્રગ માફિયાઅો બન્યા બેફામઃ ગુજરાત ટાર્ગેટ બન્યાનો ધડાકો

કચ્છના દરિયામાંથી ૪૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૬ પાકિસ્તાની ઝડપાયા

'અલ હુસૈની' નામની પાકિસ્તાની બોટમાંથી ૭૭ કિલો ડ્રગ્સ ઝડપી લેવાયુ : ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમનું સંયુકત ઓપરેશન : ફરીથી ડ્રગ્સ ઝડપાતા તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ : કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી ૪૦૦ કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે સંયુકત ઓપરેશન હાથ ધર્યું હતું.

૪૦૦ કરોડથી વધુના ડ્રગ્સ અને ૬ પાકિસ્તાની ડ્રગ માફિયાની ધરપકડ કરવામાં આવી છે. ૭૭ કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ સહિત ૬ પાકિસ્તાનીઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ભારતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનો પર્દાફાશ થતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે

'અલ હુસૈની' નામની પાકિસ્તાની બોટ ઝડપી લેવામાં આવી છે. પાકિસ્તાની બોટ સહિત દરેકને જખૌ બંદરે લાવવામાં આવી રહ્યો છે.

પંજાબ પછી હવે ગુજરાતના જળ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ડ્રગ્સ માફિયાઓ દ્વારા રચાયું છે. કયારેક માછીમારી કરતી પાકિસ્તાની બોટો દ્વારા તો કયારેક બંદર ઉપર કન્ટેનર મારફતે અન્ય માલની આડ માં ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સ માફિયા દ્વારા કરાઈ રહ્યો છે. ગઈ કાલે રાત્રે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે મધ દરિયે સયુંકત ઓપરેશન હાથ ધરી જખૌ નજીક થી પાકિસ્તાની બોટ ને આંતરીને ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડયો હતો. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ અલ હુસૈની નામની પાકિસ્તાની બોટ માંથી ૬ પાકિસ્તાનીઓ ને ૭૭ કિલો હેરોઈન ના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ૪૦૦ કરોડ રૂ.ડ્રગ્સનો જથ્થો તેમ જ ૬ એ પાકિસ્તાનીઓને કચ્છના જખૌ બંદરે લવાઈ રહ્યા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત દરિયાકાંઠેથી વધુ એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી કરવાનું એપી સેન્ટર બની રહ્યું છે, ત્યારે કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી ૪૦૦ કરોડ રૂપિયાનું ૭૭ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન ૬ પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.

એટલું જ નહીં, ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખ્સોની પુછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજયમાં કયાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર હમણાંથી જબરું ફાલ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાની ઘટનાઓ એક પછી એક ખુલી રહી છે. છેલ્લા એક વર્ષમાં રાજયની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજયભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, જેમાં સૌથી વધુ મેફેડ્રોન જપ્ત થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો છે. છેલ્લા નવ મહિનામાં રાજયમાં ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાઈ રહ્યો છે. ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઈ છે.

(3:26 pm IST)