Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જસદણ તાલુકાની ૪૧ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરેરાશ ૭૭.૬૦ ટકા મતદાન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૦: જસદણ તાલુકાની કુલ ૪૧ ગ્રામ પંચાયતોના સરપંચ પદ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો માટે ગઇકાલે શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિધાનસભાની ચૂંટણી કરતાં પણ વધારે રાજકીય ગરમાવો આવ્યો હતો. સાંજના છ વાગ્યા સુધીમાં સરેરાશ ૭૭.૬૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યા સુધી મતદાન શરૂ રહ્યું હતું.

તમામ જગ્યાએ બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું. જસદણ તાલુકાના ૪૧ ગામોમાં સરપંચપદ માટે કુલ ૧૪૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. ૪૧ ગામોમાં ૨૪૭ વોર્ડ માટે કુલ ૯૯ મતદાન મથક ઉપર મતદાન યોજાયું હતું. કુલ ૪૧ ગામોમાં ૩૮૭૯૦ પુરુષ મતદારો અને ૩૪૭૮૫ સ્ત્રી મતદારો મળીને કુલ ૭૩૫૭૫ મતદારો નોંધાયેલા છે.

તાલુકાના આંબરડી, વીરનગર, કાનપર, કનેસરા, બાખલવડ, કોઠી, ગોડલાધાર, માધવીપુર, જંગવડ, ભાડલા સહિતના ગામડાઓમાં ચૂંટણી માટે મતદાન થયું હતું. જોકે કેટલાક ગામોમાં સરપંચ પદ અનામત કેટેગરીનું હોવાથી આવા ગામોમાં મતદારોમાં મતદાનનો ઉત્સાહ ઓછો હતો. જેથી ત્યાં મતદાનની ટકાવારી પણ ઓછી નોંધાઈ હતી. જસદણ તાલુકાના ગોડલાધાર ગામે યુવા ઉદ્યોગપતિ અને માર્કેટીંગ યાર્ડના ડીરેકટર તેમજ સરપંચ અશોકભાઈ ચાવે ફરી વખત સરપંચ પદ માટે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.

જસદણ તાલુકાના ગોડલાધાર, માધવીપુર, મેઘપર, નવાગામ વગેરે ગામોમાં અંદાજે ૮૫ ટકાથી પણ વધારે મતદાન નોંધાયું હતું. સૌથી વધારે મતદાન ગોડલાધાર ગામે ૯૩.૯૩ ટકા મતદાન નોંધાયું હતું. પ્રાંત અધિકારી પી. જે. ગલચર અને મામલતદાર શ્રી ત્રિવેદીની દેખરેખ હેઠળ તારીખ ૨૧-૧૨ ને મંગળવારે જસદણના કમળાપુર રોડ ઉપર મોડેલ સ્કૂલ ખાતે મત ગણતરી યોજાશે.

(10:19 am IST)