Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

કચ્છમાં રાજકીય ગરમીએ ઉડાડી ઠંડી : ૩૬૧ ગ્રામ પંચાયતમાં ૭૪ ટકા જેટલું ભારે મતદાન

ઉમેદવારોના ટકેદારોમાં ઘર્ષણ વચ્ચે ૬ સ્થળોએ મતદાન ખોરવાયા બાદ ફરી શરૂ : ઠંડી અને કોરોનાની ઐસીતૈસી કરી મતદાન માટે લાગી લાંબી લાઇનો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : ગ્રામીણ સંસદ સમાન ગ્રામ પંચાયતની ચૂંટણીએ કચ્છમાં ભારે રાજકીય ગરમાવો સજર્યો હતો. ગઈ કાલે રવિવારે મતદાનમાં લોકો ઠંડી તેમ જ કોરોનાને ભુલાવી ઉમટ્યા હતા. જિલ્લાની કુલ ૪૭૮ પૈકી ૧૧૭ ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયા બાદ બાકી રહેલી ૩૬૧ ગ્રામ પંચાયત માટે ચુંટણી યોજાઈ હતી. જેમાં લોકોએ ઉત્સાહ પૂર્ણ ભાગ લઈને મતદાન કર્યું હતું.

સરપંચ પદ માટેની ૩૪૪ બેઠક માટે ૮૯૫ ઉમેદવારો અને સભ્ય પદ માટે ૨૧૨૫ બેઠકો માટે ૪૭૪૭ ઉમેદવારો એમ કુલ મળીને ૫૬૪૨ ઉમેદવારો વચ્ચે યોજાયેલા ચુંટણી જંગમાં હવે તમામનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. મતદાન માટેની વાત કરીએ તો કુલ ૬૬૫૩૩ મતદારોમાંથી ૨૫૯૬૬૦ પુરુષ અને ૨૩૨૫૪૭ મહિલા મતદારો એ મતદાન કરતાં મતદાનની ટકાવારી ૭૩.૯૮ ટકા એટલે કે ૭૪ ટકા જેટલી થઈ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ મતદાન સરહદી લખપત તા.માં ૮૨.૨૨ ટકા જયારે સૌથી ઓછું મતદાન પ્રગતિશીલ એવા ગાંધીધામ તા.માં ૬૦.૭૭ ટકા થયું હતું.

મતદાન દરમ્યાન નખત્રાણાના ભડલી ગામે ત્રિપાંખિયા ચુંટણી જંગમાં બહારના લોકો મતદાન કરે છે એવો વાંધો લઈ સરપંચ પદના એક ઉમેદવારે ડખ્ખો સજર્યો હતો. દોઢ કલાક હંગામો ચાલ્યા બાદ મામલો શાંત થયો હતો. ભુજના ભારાપર ગામે પણ એક તરફી મતદાન થતાં અન્ય ઉમેદવારના જૂથ દ્વારા માથાકૂટ કરાઈ હતી.

ભુજના સુમરાસાર ગામે બે જૂથ વચ્ચે પોલીસે દરમ્યાનગીરી કરતાં ડીવાયએસપી સાથે બોલાચાલી થઈ હતી. બાદ મામલો થાળે પડ્યો હતો. રાપરના શિવગઢ ગામે પોલીસે નશામાં ધૂત પ્રવીણ તેજા મૂછડીયા નામના ઇસમને છરી સાથે પકડ્યો હતો. ભચાઉના છાડવારા ગામે મતદાન દરમ્યાન જૂની અદાવતને લઈ બોલાચાલી થયા બાદ મામલો શાંત પડી ગયો હતો. ઘણી જગ્યાએ મતદાન સમય પૂર્વ મતદાન મથકમાં આવી ગયેલા મતદારોને ટોકન આપી દેવાયા હતા અને એમ મોડે સુધી મતદાન થયું હતું. એકંદરે પોલિંગ સ્ટાફ, પોલીસ તંત્ર સાથે વહીવટી તંત્ર ખડે પગે રહ્યું હતું.

(10:20 am IST)