Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

કચ્છ - અંજારના ખ્યાતનામ લોકગાયક - ભજનિક - પાર્શ્વગાયક - કથાકાર સ્વ. વેલજીભાઇ ગજ્જરની ૮૭મી જન્મજયંતીએ શ્રધ્ધાસુમન અર્પણ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત - સંશોધિત - સંપાદિત ગીતો - લોકગીતો - ભજનો એમના કંઠે સાંભળવા એક લ્હાવો હતો : પિતાનો વારસો બખૂબી જાળવતા એમના પુત્ર અનિલ વેલજીભાઇ ગજ્જર પણ જાણીતા લોકગાયક - ભજનિક છે

રાજકોટ : કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામના મૂળ વતની વેલજીભાઈનો ગુર્જર સુથાર પરિવારમાં ૧૯ ડીસેમ્બર ૧૯૩૪ના રોજ સિકંદરાબાદ ખાતે જન્મ થયેલો. પિતા કાનજીભાઈ સુથારીકામનાં રેલ્વે કોન્ટ્રાકટર અને માતા નાનુબેન.

માત્ર ૧૦ વર્ષની નાની વયે વેલજીભાઈએ શાળાના સંગીત શિક્ષક સોમૈયા માસ્તર પાસે કંઠ્ય અને હાર્મોનિયમની તાલીમથી સંગીત-સફરનો આરંભ કર્યો હતો. કચ્છી-ડાયરાના પ્રણેતા વેલજીભાઈએ કચ્છ-સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ -લોકસાહિત્ય-લોકસંગીતની મૂલ્યવાન વિરાસતનો જીવનના છેલ્લા શ્વાસ સુધી વિશ્વભરમાં પ્રસાર-પ્રચાર કર્યો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો એમના કંઠે સાંભળવાં એક લ્હાવો હતો.  જેસલ-તોરલ, સંત મેકરણ, દુલા કાગ, દુલેરાય કારાણીના સાહિત્યને પણ જન-જન સુધી તેઓએ પહોંચાડ્યું હતું. 'મોર બની થનગાટ કરે'(ઝવેરચંદ મેઘાણી), 'એજી તારા અંગણીયા પૂછીને જે કોઈ આવે' (દુલા કાગ), 'મુંજી માતૃભૂમિ કે નમન'(કવિ નિરંજન), 'કાળજા કેરો કટકો'(કવિ દાદ) એમના અતિ પ્રિય ગીતો હતા.

આકાશવાણીના બી-હાઈ કલાકાર રહી ચૂકેલા વેલજીભાઈએ ૪૦ જેટલી ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન તથા ૫ જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. દૂરદર્શન અને આકાશવાણી પર પણ તેઓએ અનેક કાર્યક્ર્મો રજૂ કર્યા હતા જે આજે પણ અવારનાર પ્રસારિત થતા રહે છે. ૧૯૯૬માં ૧૦૦મી મેઘાણી-જયંતી નિમિત્તે રાજકોટ દૂરદર્શન દ્વારા એમનો 'માટીની મહેકનો કવિ મેઘાણી' નામનો રસપ્રદ કાર્યક્ર્મ પ્રસારિત થયો હતો. ૧૯૮૯માં રાજકોટ ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૫મી અધિવેશનમાં લોકસાહિત્ય વિષયના મુખ્ય સંચાલક તરીકે વરણી થઈ હતી. 

ખ્યાતનામ સંગીતકારો, ગાયકો, ગાયિકાઓ, કલાકારો, સાહિત્યકારો, લોકસાહિત્યકારો સાથે રેકોર્ડિંગ–કાર્યક્ર્મોમાં ભાગ લીધો હતો. સંગીતકારો : અવિનાશ વ્યાસ, પંડિત વિનાયક વોરા, કાંતિભાઈ સોનછત્રા, નાનજીભાઈ મિસ્ત્રી, પુરષોત્તમ ઉપાધ્યાય, મહેશ-નરેશ, ગૌરાંગ વ્યાસ, અમરકુમાર જાડેજા. ગાયકો : મહેન્દ્ર કપુર, ઈસ્માઈલ વાલેરા, કનુભાઈ બારોટ, અબ્રામ ભગત, યશવંત ભટ્ટ, મુગટલાલ જોષી, નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, અમરનાથ નાથજી, પ્રાણલાલ વ્યાસ, લાખાભાઈ ગઢવી, પ્રફુલ્લ દવે, અભેસિંહ રાઠોડ, હેમંત ચૌહાણ, કરસન સાગઠિયા, જગમાલ બારોટ, આનંદકુમાર સી. ગાયિકાઓ : આશા ભોંસલે, ઉષા મંગેશકર, સુમન કલ્યાણપુર, અનુરાધા પોંડવાલ, કવિતા કિ'મૂર્તિ, દિવાળીબેન ભીલ, દમયંતીબેન બરડાઈ, રાજુલબેન મહેતા, સરોજબેન ગુંદાણી, પુષ્પાબેન છાયા, ઉષાબેન ચિનોઈ, મીનાબેન પટેલ, જાન્વીકાબેન દેસાઈ, શીલાબેન શેઠીયા. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી (લંકેશ), સંગીતકાર કલ્યાણજી-આણંદજી, લોકસાહિત્યકારો : કાનજી ભુટા બારોટ, કરણીદાન ગઢવી, દરબાર પુંજાવાળા, બચુભાઈ ગઢવી, હરસુર ગઢવી, ભીખુદાન ગઢવી, શાહબુદ્દીન રાઠોડ. સાહિત્યકારો : અમૃત ઘાયલ હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, દાદ.  યશસ્વી સંગીતમય સફર દરમિયાન વેલજીભાઈએ અનેક સન્માન-પારિતોષિક પ્રાપ્ત કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે ૧૯૭૩-૭૪માં ફિલ્મ 'કાદુ મકરાણી' તથા ૧૯૭૪-૭૫માં ફિલ્મ 'હોથલ પદમણી' માટે પારિતોષિક પ્રાપ્ત થયા હતા. ફિલ્મ 'સોન કંસારી'ના ખૂબ લોકપ્રિય થયેલા ગીત 'અચકો મચકો કારેલી'ના પાર્શ્વગાયન માટે ખ્યાતનામ અભિનેતા દિલીપકુમારના હસ્તે મુંબઈ ખાતે સન્માનિત કરાયા હતા. વિવિધ સેવાકીય અને લોકકલ્યાણની પ્રવૃત્ત્િ।ઓના નિૅંસ્વાર્થભાવે સહયોગ માટે તેઓ હરહંમેશ તત્પર રહેતા. કર્મભૂમિ અંજાર ખાતે રઘુનાથજી મંદિરમાં પાંચ વર્ષ સુધી નિરંતર દર રવિવારે સાંજે ૪થી ૬ રામકથાનું આચમન કરાવતા.

વેલજીભાઈને ધર્મપત્ની શાંતાબેનનો હંમેશા સાથ-સહયોગ રહ્યો હતો. પિતાનો વારસો બખૂબી જાળવતા એમના પુત્ર અનિલ વેલજી ગજ્જર પણ જાણીતા લોકગાયક-ભજનિક છે. અનિલ એંજિનિયરિંગ વકર્સ અને યોગેશ્વર એંજિનિયરિંગ સર્વિસની સ્થાપના વેલજીભાઈએ અંજારમાં કરી હતી, જેનું સંચાલન હાલ એમના પુત્રો સૂર્યકાંતભાઈ, અનિલભાઈ, યોગેશભાઈ અને પૌત્રો કૌશિક, પ્રશાંત અને હરીન્દ્ર દ્વારા થાય છે. વેલજીભાઈની પુણ્યસ્મૃતિમાં એમની કર્મભૂમિ અંજાર ખાતે પ્રતિમાનું અનાવરણ તેમજ માર્ગ અને રોટરી ભવનનું નામકરણ સંત-કથાકાર પૂ. મોરારિબાપુના હસ્તે થયું છે. ૧૩ જુલાઈ ૧૯૯૫ના રોજ પાલિતાણા ખાતે અવસાન પામેલા સ્વ. વેલજીભાઈ ગજ્જરની સ્મૃતિ આજે પણ લોકહૈયે જીવંત છે.  (૨૧.૪)

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(10:21 am IST)