Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ગીર સોમનાથ જીલ્લામાં ઉના સહિત તાલુકાઓના હાઇવેની અતિ બદતર હાલતઃ રજૂઆતો ધ્યાને લેવાતી નથી

(નિરવ ગઢીયા દ્વારા) ઉના, તા.૨૦: ગીર સોમનાથના દરેક તાલુકાના મુખ્ય હાઈવે રોડ અતિ બિસ્માર હાલતમાં હોય અને ઉના હાઇવે ઉપર મસમોટા ખાડા હોય ત્યારે પ્રજાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંગે અનેક રજૂઆતો આવેદનો આપવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.

ઉના શહેરના નગર પાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ નગરપાલિકા કારોબારી ચેરમેનનાં પ્રતિનિધિ બાબુભાઈ ડાભી,પરેશભાઈ બાંભણિયા, જેન્તીભાઈ બાંભણીયા તેમજ સ્થાનિક લોકોએ બીસ્માર રોડનો વિરોધ કર્યો હતો.

છેલ્લા ૪ વર્ષથી ઉના માંથી પસાર થતા નેશનલ હાઇવેની બિસમાર સ્થિતિથી શહેરીજનો પરેશાન થઈ ગયા છે રોડ એ હદે બિસ્માર થયો છે કે વાહન તો ઠીક એક બાજુ ચાલીને નીકળવું પણ દુસ્કર બન્યું છે. ઉના તાલુકો પછાત તાલુકાની સાથે વિકાસથી જોજનો દૂર છે ભાવનગર સોમનાથ હાઇવે જે શહેરનાં મધ્યમાંથી પસાર થાય છે શહેરના મુખ્ય હાઇવે પર હોસ્પિટલો કોર્ટ સ્કૂલો બગીચાઓ સહિતના સંકુલો આવે છે જયાં જવામાં પારાવાર મુસીબતોનો સામનો કરવો પડે છે ત્રણ વર્ષ પૂર્વે ઉનાના ધારાસભ્ય ખુદ રોડ પર બેસીને આંદોલન કર્યુ હતું પરંતુ તો પણ પરિણામ શૂન્ય રહ્યું હતું ત્યારે આજે ઉનાના વેરાવળ રોડનાં રહીશોએ એ રોડ વચ્ચે પત્થરો મુકી રસ્તાઓ બંધ કરી વિરોધ કરાતા એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.

સ્થાનિક લોકો સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો દ્વારા અનેક વખત રજુઆતો, આવેદનપત્ર આપવા છતાં આંધળી સરકારને આ મસમોટા ખાડાઓ તેમજ પ્રજાની મુશ્કેલી ન દેખાતા લોકોને ના છૂટકે રોડ પર આવી પથ્થરો મુકી રોડ બંધ કરવાનો રસ્તો અપનાવવો પડ્યો હતો રોડ બિસ્માર હાલતમાં હોવાના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને વારંવાર લોકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે, અગાઉ રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે તો લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાયા બાદ આંદોલન સમેટાયું હતું અને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો.

(10:47 am IST)