Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ગામડાના મુખી કોણ? કાલે જનાદેશ ખુલશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન બાદ ઉમેદવારોનું ભાવિ પેટીઓમાં સીલઃ કાલે સવારથી મત ગણતરી

પ્રથમ, બીજી અને ત્રીજી તસ્વીરમાં ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં થતુ મતદાન, ચોથી અને પાંચમી તસ્વીરમાં ગીર સોમનાથ ગ્રામ્ય વિસ્તારમાં થતુ મતદાન, ચોથી અને પાંચમી તસ્વીરમાં ગીર સોમનાથ જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છઠ્ઠી અને સાતમી તસ્વીરમાં ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન કરતા વૃધ્ધો સહિતનાં નજરે પડે છે.(તસ્વીરઃ જીતેન્દ્ર આચાર્ય -(ગોંડલ), દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ) ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી)

રાજકોટ તા. ર૦ :ગઇકાલે રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન બાદ કાલે મત ગણતરી હાથ ધરવામાં આવશે. અને ગ્રામ પંચાયતના મુખી એટલે કે સરપંચ અને સભ્યો કોણ બનશે? તેનો જનાદેશ આવશે.

ગઇકાલે મતદાન બાદ ઉમેદવારોનું ભાવિ પેટીઓમાં સીલ કરી દેવામાં આવ્યુ છે. અને મત ગણતરી કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કાલે સવારથી મત ગણતરી શરૂ થશે. અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : પંચાયતોની ચૂંટણીઓને લઇને તંત્ર દ્વારા જોરદાર તૈયારીઓ કરેલ હતી અને ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો  અને જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળેલ કયાંક ઓછુ તો કયાંક વધારે મતદાન થયેલ હતું. વૃધ્ધો અને વિકલાંગોએ પણ પોતાનો કિંમતી મતદારકારનો ઉપયોગ કરી મતદાન કરેલ હતું અને શાંતિપૂર્ણ મતદાન યોજાય હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન તા.૧૯-૧૨-૨૦૨૧ના રોજ થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુકત પદાર્થ આપે નહી અને ચૂંટણી કામ નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લામાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી(લીકરશોપ) હોટલ, રેસ્ટોરન્ટ, કલબ તથા બીજી સંસ્થાઓને દારૂનું વેચાણ કરવા સામે મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે તા.૧૭-૧૨-૨૦૨૧ થી તા.૧૯-૦૨-૨૦૨૧ સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા.૨૧-૧૨-૨૦૨૧ના દિવસને 'ડ્રાય ડે' તરીકે જાહેર કરાય છે.

હોટલ, રેસ્ટોરન્ટ, કલબ અને સ્ટાર હોટલ જેઓને દારૂ રાખવાનુ અને પુરો પાડવાનુ લાયસન્સ આપવામાં આવેલ હોય, વ્યકિતગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ આપેલ હોય તેવી વ્યકિતઓને ૪૮ કલાક પહેલા એટલે તા.૧૭-૧૨-૨૦૨૧ થી તા.૧૯-૧૨-૨૦૨૧ સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા.૨૧-૧૨-૨૦૨૧ના દિવસે દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંદ્યન કરનારને પ્રોહિબિશન કાયદા ઉપરાંત ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩૫ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ  શિક્ષાને પાત્ર થશે તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર દ્વારા હુકમ કરી જણાવ્યું છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ ગ્રામપંચાયતોની ૭૭ પૈકી ૨૧ બેઠક સમરસ થતા ૫૬ બેઠકો ઉપર ચૂંટણી જંગ ખેલાયો હતો હાડ થીજવતી ઠંડીમાં પણ મતદારોએ દિવસ દરમ્યાન લાંબી લાઈનોમાં ઉભારહી મતાધિકાર નો ઉપયોગ કરતા ૭૧.૯૫% મતદાન નોંધાયું હતું. પંથકમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ગોંડલ પંથક ની ૫૬ બેઠકો માટે યોજાયેલ ગ્રામપંચાયત ની ચૂંટણીમાં કુલ ૧૦૬૨૨૦ મતદારો માંથી ૭૬૪૨૨ મતદારોએ મતાધિકાર નો ઉપયોગ કરતા ૭૧.૯૫% ટકા મતદાન નોંધાયું હતું. ગોંડલ પંથકની કેટલીક બેઠકો ને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હોય ભુણાવા ગામે ગેરરીતી ની આશંકા સેવી પોલીસ બંદોબસ્ત પણ માનવામાં આવ્યો હોય પરંતુ કોઈપણ જાતના છમકલાં વગર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થઈ જતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

રવિવારના હાડ થીજવતી ઠંડીમાં પણ મતદારો એ લાંબી લાઈનો લગાવી મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો ૧૦૦ વર્ષ કે તેની આળેગાળેના મતદારો, વિકલાંગ મતદારો એ પણ જુસ્સા સાથે મતદાન કરી ચૂંટણી પર્વ ને ઉજવ્યું હતું. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને પોલીસ તંત્રએ સમગ્ર પંથકમાં અવિરત પેટ્રોલીંગ કર્યું હતું.

ગીર સોમનાથ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ : ગીર સોમનાથ જિલ્લામાં ૨૮૮ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ૭૦૯ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પુરતુ પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે. આ માટે ૧ એસ.પી., ૪ ડીવાય.એસ.પી. અને ૧૨ પી.આઈ. દેખરેખ હેઠળ ૧૬૬૦ જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.

જિલ્લામાં સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરીને વિશેષ બંદોબસ્તની વ્યવસ્થા કરવમાં આવી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર બંદોબસ્તમાં ૫૦૦ લોકરક્ષક, ૧૦૦૦ હોમગાર્ડસ, ૬૦ એસ.આર.પી.ના જવાનો અને ગ્રામ રક્ષક દળના યુવાનો બંદોબસ્તમાં સહયોગી બનશે. ઉપરાંત ૧૦૦ જેટલા જવાનો મતદાનના સમગ્ર દિવસ દરમિયાન મોબાઈલ પેટ્રોલિંગ કરશે. જેમાં પી.આઈ અને પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓ પણ ફરજ બજાવશે.

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ૩ આંતરરાજય અને ૬ આંતરજિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. સાથે જ ૧૦,૦૦૦ જેટલા વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે. આમ, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બહુસ્તરિય વ્યવસ્થા ઉભી કરાઈ છે.

ચૂંટણીના જાહેરનામા અંતર્ગત ૩૫૦ જેટલા પરવાના વાળા હથિયાર ધારકો પાસેથી હથિયારો જમા લેવામાં આવ્યા છે. સાથે જ દારૂ અને ગંભીર ગુન્હામાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. સાથે જ ૮૮૬ લીટર દેશી દારૂ, ૧.૫૦ લાખની કિંમતનો વિદેશી દારૂ, ૪૦,૦૦૦ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો સામાન, તેમજ ૯ લાખથી વધુની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

હળવદ

(દિપક જાની દ્વારા) હળવદ : તાલુકાની ૪૫ ગ્રામ પંચાયતોમાં ગઈકાલે સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. તાલુકામાં કુલ મતદાન ૮૧.૧૭ ટકા જેટલું નોંધાયું છે. તાલુકામાં પુરુષ મતદારોની સંખ્યા ૩૭૯૨૩ છે.જેમાંથી ૩૧૫૩૦ એટલે કે ૮૩.૧૪ ટકા પુરુષોએ મતદાન કર્યું છે. જયારે સ્ત્રી મતદારોની સંખ્યા ૩૩૮૧૩ છે. જેમાંથી ૨૬૭૦૦ એટલે કે ૭૮.૯૬ ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે. જિલ્લામાં કુલ ૫૮૨૩૦ એટલે કે ૮૧.૧૭ ટકા મતદારોએ મતદાન કર્યું છે.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનાર : કોડીનાર તાલુકામાં ૩૨ ગ્રા. પં. તથા બે મધ્યસ્થ ગ્રા. પં. સમરસ થયા બાદ ૨૮ સામન્ય અને ૧ મધ્યસ્થ ગ્રા. પં ની ચૂંટણી ને લઈ મતદાન યોજાયું હતું. અને શાંતિપૂર્ણ મતદાન યોજાઈ તે માટે ૧૧૯ પોલીસ જવાનો, ૨૩૫ હોમેગાર્ડ અને પી. આઈ. ચુડાસમા સહિતના સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

માળીયાહાટીના

(મહેશ કાનાબાર દ્વારા) માળીયા હાટીનાઃ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી સવારથી જ મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલો હતો. સ્થાનિક માળીયા હાટીનામાં કુલ ૧૦,૫૬૬ મતદારો છે જેમાંથી ૭૩૦૧ વ્યકિતઓએ મતદાન કરેલ છે. એટલે કુલ ૬૯ ટકા અભૂતપૂર્વ મતદાન થયું છે વહીવટી તંત્ર દ્વારા મત પેટીને શિલ્ડ કરાઇ છે. હવે મંગળવારે સવારે માળીયા હાટીનાની સરકારી હાઇસ્કુલ ખાતે મત ગણતરી થશે.

(11:34 am IST)