Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

કુંડળધામમાં અક્ષરધામ : એક સાથે ભગવાનની ૭૦૭૦ મૂર્તિઓના દર્શન : વિશ્વ વિક્રમના દ્વારે ટકોરા

બોટાદ : જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે ગઇ કાલે રવિવારે 'અનેક રૂપે સ્વામિનારાયણ' ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત વિશ્વવિક્રમ જેવો પ્રસંગ હતો. આ કાર્યક્રમનો અહેવાલ વિશ્વવિક્રમ જાહેર કરવા માટે ગિનીશ વર્લ્ડ રેકોર્ડસ્ ને મોકલવામાં આવ્યો છે. સંસ્થાના વડા શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ૧૭૦ ગામોના હરિભકતોના ઘરેથી આવેલ ઘનશ્યામ મહારાજ  એટલે કે શ્રીસ્વામિનારાયણ ભગવાનની ૭૦૭૦ મૂર્તિના એક સાથે દર્શનનો નઝારો જોવા મળ્યો હતો. મૂર્તિ આગમનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. દેશભરમાંથી આવેલી મૂર્તિઓનું પૂજય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત સૌ સંતો ભકતો દ્વારા સામૂહિક પૂજન કરવામાં આવ્યું હતું. મૂર્તિઓ ૨૭ વર્તુળોમાં ગોઠવવામાં આવી હતી. આ પ્રસંગે પૂજય ગુરુજી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ સંતો દ્વારા શ્રીસ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.ઉપસ્થિત સૌ ભકતોને સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. એક સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૭૦૭૦ મૂર્તિઓનાં દર્શનનો આવો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો હોવાથી બહુ મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. અને આ ભવ્ય - દિવ્ય દૃશ્ય નિહાળી  હજારો ભકતોએ ધન્યતા અનુભવી હતી. તેમ અલૌકિક સ્વામી જણાવે છે.

(10:49 am IST)