Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

કલ્યાણપુરના રાણપરડા ગામે મતદાન કર્યા બાદ મહિલા ઉમેદવારનું મૃત્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કાલે બપોરે એક ગ્રામ પંચાયતના સભ્ય પદના ઉમેદવાર એવા એક મહિલા મતદાન કર્યા પછી ઘરે પરત ફર્યા હતા. જેમનું અકાળે અવસાન થયું છે. આ સંદર્ભે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નં. ૩ના સભ્ય પદના ઉમેદવાર તરીકે આ ગામના ટમુબેન ભગતભાઇ મોઢવાડિયા નામના આશરે બાવન વર્ષના એક મહિલાએ ઉમેદવારી નોંધાવી હતી. ગઇકાલે રવિવારે બપોરે તેમણે મતદાન કરી અને તેઓ ઘરે પરત ફર્યા ત્યારબાદ આશરે દોઢેક વાગ્યે કોઇ કારણોસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સંભવિત રીતે હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયાનું કહેવાય છે.

આ બનાવ સંદર્ભે અહીંના ચૂંટણી તંત્ર તથા મામલતદાર સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાણપરડા ગામની ચૂંટણીમાં પરિણામ પૂર્વે એક બેઠકની ચૂંટણી રદ્દ કરવા સહિતની બાબતે સ્થાનિક તંત્ર દ્વારા સલાહ - સુચન અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:50 am IST)