Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ગિરનાર ૬, નલીયા ૭.૧ ડિગ્રીઃ રાજકોટમાં પણ ઠંડી વધી

ડીસા - પાટણ ૮.૨, ભુજ ૧૦.૪, રાજકોટ ૧૦.૬, અમરેલી ૧૨.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૨૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીનો માહોલ યથાવત છે. આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉંપર ૬ ડિગ્રી જ્યારે કચ્છના નલીયામાં ૭.૧ ડિગ્રી તથા રાજકોટમાં પણ ઠંડીમાં વધારો થયો છે. રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું છે.
જ્યારે ડીસા અને પાટણમાં ૮.૨ ડિગ્રી, ભુજમાં ૧૦.૪ ડિગ્રી, અમરેલીમાં ૧૨.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
પવનના સૂસવાટા સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીનો માહોલ જામ્યો છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે ઠંડકની અસર વધુ રહે છે. જો કે આખો દિવસ શિયાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.
જુનાગઢ
જૂનાગઢઃ સોરઠમાં આજે પણ કોલ્ડવેવ યથાવત રહેતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.
સોરઠ સહિતના વિસ્તારોમાં ગત સપ્તાહની શરૂ થયેલ કાતિલ ઠંડીનો દોર આજે પણ જારી રહેલ છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર સવારે લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી રહેતા કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
જોકે, રવિવારે ૪.૮ ડિગ્રી ઠંડી ગિરનાર પર રહ્યા બાદ આજે પર્વતીય વિસ્તારમાં ઠંડીમાં આંશિક રાહત રહી હતી. આમ છતાં ઠંડા પવનને લઇ બર્ફીલુ વાતાવરણ રહ્યું હતું.
જૂનાગઢ વિસ્તારમાં ૧૧ ડિગ્રી ઠંડી રહેવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૩ કિમીની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૧૨.૫ ડિગ્રી, મહત્તમ ૨૭ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને પવનની ઝડપ ૬.૧ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

 

(11:26 am IST)