Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ગોંડલના મેતાખંભાળીયા ગામે વૃદ્ધાને મતદાન કુટીર સુધી લઈ જવા બાબતે પોલીંગ એજન્ટો વચ્ચે બઘડાટી

રાજકોટ, તા. ૨૦ :. ગોંડલ તાલુકાના મેતાખંભાળીયા ગામે ગઈકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વૃદ્ધાને મતદાન મથકે લઈ જવા બાબતે બન્ને જુથના પોલીંગ એજન્ટો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ અંગે અલગ અલગ બે ગુન્હાઓ નોંધાયા છે.

મળતી વિગતો મુજબ મેતાખંભાળીયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રિસાઈન્ડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હરેશભાઈ વાઘડીયાએ મેતાખંભાળીયાના સમજુબેન જેન્તીભાઈ રાઠોડ, વિજયભાઈ ભાવસંગભાઈ ગોધાણી, ભાવેશ જીતુભાઈ ગોધાણી, સામત પીઠાભાઈ ભરવાડ, જગદીશ જીવાભાઈ ગોધાણી, પરેશ ધીરૂભાઈ ગોધાણી તથા મનદીપ રાજાભાઈ સુરાણી સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમા જણાવ્યા મુજબ સમજુબેન પોતાની સાથે મહિલાને મતદાન મથકની અંદર મતદાન કરવા સાથે લાવતા આ બાબતે હરીફ ઉમેદવારના પોલીંગ એજન્ટો વિજય તથા ભાવેશે વાંધો ઉઠાવતા બન્ને પક્ષે બોલાચાલી બાદ ઝઘડો થતા અન્ય આરોપીઓએ મતદાન મથકમાં આવી ઝઘડા કરી ગેરવર્તુણક કરી મતદાનની ગુપ્તતા જાળવી ન હતી.

આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ઉકત સાતેય સામે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.

જ્યારે બીજી બાજુ મેતાખંભાળીયા ગામે રહેતા સમજુબેન જેન્તીભાઈ રાઠોડએ તે જ ગામના વિજય બાવસીંગભાઈ ગોધાણી, ભાવેશ જીકુભાઈ ગોધાણી, સામત ભીખાભાઈ ભરવાડ, જગદીશ જીવાભાઈ ગોધાણી, પરેશ ધીરૂભાઈ ગોધાણી તથા મનદીપ સુરાણી સામે ફરીયાદ કરેલ છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી મોટી ઉંમરના વૃદ્ધા મીણાબેનને મતદાર કુટીર સુધી મતદાન કરવા લઈ જતા હતા ત્યારે બુથ પરના પોલીંગ એજન્ટ વિજયએ તેનો વિરોધ કરી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ પોેલીંગ એજન્ટ ભાવેશ તથા અન્ય આરોપીઓએ બહારથી આવી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

(11:49 am IST)