Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

વિરપુરમાં મતદાન મથકમાં મતદાર અને પોલીસ વચ્ચે ઝપાઝપી : પોલીસ કર્મચારીની બદલી

ઝપાઝપીનો વિડીયો વાયરલ થતા એસ.પી. બલરામ મીણા વિરપુર દોડી ગયા : ફરજમાં રૂકાવટ કરનાર રાજેશ ધાંધલ સામે ગુન્હો નોંધાયો : સામાપક્ષે પણ વળતા ફરીયાદ

તસ્વીરમાં પોલીસ અને મતદાર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો નજરે પડે છે

વીરપુર (જલારામ),તા. ૨૦: ગઇ કાલે ગ્રા. પં.ની ચૂટણી વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ સાથે જવા માગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર જ રોકયો હતો. બાદમાં મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી. આથી કોન્સ્ટેબલે મતદારને ઢીબી નાખ્યો હતો. છૂટા હાથથી કોન્સ્ટેબલ મતદાર પર તૂટી પડ્યો હતો. જેના લાઇવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. આ મામલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્યટનાસ્થળે દોડી ગયા હતા અને મતદારને માર મારનાર કોન્સ્ટેબલને તાત્કાલીક અસરથી બદલી કરી હેડ કવાર્ટરમાં મુકવાનો આદેશ કર્યો હતો.

મતદારને માર મારનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ પરેશ સિંધવ છે અને વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમજ મતદારનું નામ રાજુભાઇ નાનુભાઇ ધાંધલ છે. પરેશ સિંધવે રાજુભાઇને માર મારી પોલીસવાનમાં બેસાડવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે રાજુભાઈ પોલીસવાનમાં બેસી રહ્યો નહોતો. આથી પરેશે બળજબરીથી રાજુભાઈને પોલીસવાનમાં બેસાડી તેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જોકે આ દ્યટનાથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ભારે તંગદીલ માહોલ જોવા મળ્યો હતો. પરેશે રાજુભાઈને બોચીથી પકડી લીધો હતો અને પોલીસવાનમાં બેસાડી દીધો હતો. લોકોએ પણ પોલીસને જવા દ્યો તેવી વિનંતી કરી હતી.

આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, વીરપુરમાં અમારા પોલીસ કોન્સ્ટેબલનો મતદાર સાથે દ્યર્ષણનો બનાવ બન્યો હતો. એમાં મતદાર બૂથની અંદર મોબાઇલ લઇ જવા માગતા હતા. પરંતુ ડ્યુટી પર રહેલા અમારા કર્મચારીએ તેને ના પાડતા મતદારે ગેરવર્તન કર્યું હતું. આ ગેરવર્તન દરમિયાન બોલાચાલી થઇ અને બાદમાં ઘટના ઘર્ષણમાં ફેરવાઇ હતી. અમારી પાસે મતદારે ગેરવર્તન કર્યાના પુરાવા છે. બંનેએ જે રીતે કર્યુ તે અમને માન્ય નથી. આગળની તપાસ કરી રહ્યા છીએ.

દરમિયાન ફરજ પરના લોકરક્ષક પરેશભાઇ સિંધવએ મતદાન મથકમાં ફરજમાં રૂકાવટ કરનાર રાજેશ નનકુભાઇ ધાંધલ રે. જલારામ નગર વિરપુર સામે વિરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની તથા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. સામાપક્ષે મતદાર રાજેશ ધાંધલએ પણ પોલીસ લોકરક્ષક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

(11:49 am IST)