Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

મોરબીના શિવનગર ગામે પંચાયત ચૂંટણીનો બહિષ્કાર

પંચાસરની અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦: મોરબી જિલ્લાના અનેક ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનની કતારો લાગી હતી. ત્યારે મોરબીના શિવનગર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. કારણ કે ગ્રામજનોની માંગ છે કે ગામમાં વિકાસના કાર્યો થાય તે માટે પંચાસર ગામથી અલગ ગ્રામ પંચાયત બનાવવામાં આવે.

મોરબીના પંચાસર ગામની નજીક આવેલા શિવનગર ગામના લોકોએ ચૂંટણીનો સદંતર બહિષ્કાર કર્યો હતો. ગામના એકપણ વ્યકિતએ મતદાન મથકે જઈ મત આપ્યો નોતો. કારણ કે ગામજનોની માંગ હતી કે અલગ ગ્રામ પંચાયત બનાવવામાં આવે. જેથી, ગામના કાર્યો સુચારુ રીતે થાય. આશરે ૫૭ વર્ષથી શિવનગર ગામ પંચાસર ગામથી અલગ થયેલ છે. પરંતુ હજુ સુધી તેમને ગ્રામ પંચાયત મળેલ નથી. ગયા વખતની ચૂંટણીમાં ગામ સમરસ જાહેર થયેલ હતું. આ વખતે ચૂંટણી યોજાઈ છે ત્યારે ગામના અગ્રણીઓએ સભા યોજી સર્વાનુમતે મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. અને જેનો શિવનગરના લોકો દ્વારા અમલ કરવામાં આવ્યો છે.

(11:54 am IST)