Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

બગસરા નજીક કારે બે બાઇકને ઉલાળતાં દંપતિ ખંડિતઃ પતિનું મોતઃ બીજા દંપતિએ ૬ વર્ષનો પુત્ર ગુમાવતાં કલ્‍પાંત

સુરતથી નાના મુંજીયાસર મતદાન કરવા આવેલા લખુભાઇ સતાસીયાનું ઘટના સ્‍થળે જ મોતઃ પત્‍નિ વર્ષાબેનને ઇજાઃ બીજા બાઇકમાં સવાર બગસરાના મનસુખભાઇ પ્રજાપતિ અને તેના પત્‍નિ સંગીતાબેનને ઇજાઃ ૬ વર્ષના પુત્ર દેવનું રાજકોટ હોસ્‍પિટલમાં મોત

બગસરાના જેતપુર બાયપાસ પર સાંજે કારની ઠોકરે બે બાઇક ચડી જતાં સર્જાયેલા અકસ્‍માતમાં એક આધેડ અને એક બાળક મળી બે લોકોના મોત નિપજ્‍યા છે. તસ્‍વીરમાં અકસ્‍માત સર્જનાર કાર, ઘટના સ્‍થળે નાના મુંજીયાસરના લખુભાઇ સતાસીયાનો નિષ્‍પ્રાણ દેહ અને ઠોકરે ચડેલુ બાઇક જોઇ શકાય છે. (ફોટોઃ દર્શન ઠાકર બગસરા)
રાજકોટ તા. ૨૦: બગસરા નજીક  જેતપુર બાયપાસ પર રવિવારે એક કારની ઠોકરે બે બાઇક ચડી જતાં નાના મુંજીયાસર ગામે મતદાન માટે આવેલું દંપતિ ખંડિત થયું હતું. પતિએ ઘટના સ્‍થળે જ દમ તોડી દીધો હતો. જ્‍યારે પત્‍નિને દાખલ કરાયા હતાં. બીજા બાઇક પર સવાર પ્રજાપતિ દંપતિ અને ૬ વર્ષનો પુત્ર પણ ફંગોળાઇ જતાં તેને બગસરા હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ૬ વર્ષના બાળકને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં મૃત્‍યુઆંક બે થયો હતો.
બગસરાથી દર્શન ઠાકરના અહેવાલ મુજબ રવિવારે સાંજે બગસરાના જેતપુર રોડ પર એક કારની ઠોકરે બે બાઇક ચડી જતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. એક બાઇકના ચાલક નાના મુંજીયાસરગામન લખુભાઇ દેવશીભાઇ સતાસીયા (ઉ.વ.૪૦)નું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે તેમના પત્‍નિ વર્ષાબેન લખુભાઇ સતાસીયા (ઉ.૪૦)ને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. આ દંપતિ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા વતન મુંજીયાસર ગામે ગઇકાલે સવારે જ આવ્‍યું હતું. મતદાન બાદ સુરત પરત જવાનું હતું. પણ એ પહેલા અકસ્‍માતમાં પતિનું મોત થતાં દંપતિ ખંડિત થઇ જતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.
બીજા બાઇક પર સવાર બગસરા મેઘાણીનગરના પ્રજાપતિ મનસુખભાઇ ગોબરભાઇ માલવી (ઉ.૩૫), તેના પનિ સંગીતાબેન મનસુખભાઇ (ઉ.૩૨) તથા પુત્ર દિપ મનસુખભાઇ (ઉ.૬)ને પણ ઇજાઓ થતાં બગસરા હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી મનસુખભાઇને વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા હતાં. સંગીતાબેનને ફ્રેકચર હોઇ બગસરા સારવાર માટે દાખલ કરાયા હતાં. જ્‍યારે પુત્ર દેવને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જરૂરી કાર્યવાહી કરી બગસરા જાણ કરી હતી.
મૃત્‍યુ પામનાર દેવ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પિતા માટી કામની મજૂરી કરે છે. તેઓ પત્‍નિ-પુત્રને બાઇકમાં બેસાડી ઇંટોના કામ માટે જઇ રહ્યા હતાં. બગસરા પોલીસે કાર ચાલક અમદાવાદના ભૂમિત નગીનભાઇ જીકાણી વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્‍માતને કારણે કારમાં પણ ભારે નુકસાન થયું હતું.

 

(12:00 pm IST)