Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જામનગરમાં શિયાળાની ઋતુમાં જાહેર માર્ગો પર ઠંડીથી ઠુંઠવાતા નાગરિકો માટે હાપામાં જલારામબાપાનો આશરો નામે વ્યવસ્થા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૧૯: જામનગર ના હાપા જલારામ  મંદિર પરિસરમાં શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર, તેમજ જલારામ મંદિર હાપા દ્વારા શિયાળાની ઋતુ દરમિયાન જાહેર માર્ગોપર ઠંડીમાં ઠુંઠવાતા નાગરિકો માટે હાપાના જલારામ મંદિરમાં જલારામબાપાનો આશરો નામક સુવિધા ઉભી કરવામાં આવી છે, અને ટ્રસ્ટના વાહન મારફતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં જાહેર માર્ગો પર ઠંડી માં ઠુંઠવાતા નાગરિકોને રાત્રિના સમયે હાપાના જલારામ મંદિર પરિસરમાં લઈ જવાની અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કર્યા પછી સવારે પરત મૂકી આવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 જલારામબાપા નો આશરો નામક સુવિધાનો રવિવાર રાત્રીથી જ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જલારામ સેવા સમિતિ ના ટ્રસ્ટી ગણ દ્વારા વડીલ વંદના રથ ને લઈને રાત્રીના સમયે જાહેર માર્ગો પર કે જ્યાં ભિક્ષુક લોકો, અથવા તો વટેમાર્ગુઓ ઠંડીમાં ઠુંઠવાતા રહે છે, જેઓને આશરો મળી રહે, તે માટે તેઓને વાહનમાં લઈ જવા માટેની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.

 જે ભિક્ષુકો અથવા તો અન્ય નાગરિકો ઠંડીમાં ઠુંઠવાતા હોય તેઓને રાત્રિના સમયે વાહનમાં લઈ જઈ હાપા ના જલારામ મંદિર પરિસરમાં આશરો આપી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેમજ રાત્રિ રોકાણ અને ગરમ વસ્ત્રો, સવારે ગરમ પાણી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી લેવામાં આવી છે.

 ત્યાર બાદ ફરીથી સવારે તમામને ચા-નાસ્તો કરાવ્યા પછી જે સ્થળે તેઓ રહેવાના હોય ત્યાં વડીલ વંદના રથ મારફતે પરત મુકવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં કોઈ ભિક્ષુકો અથવા તો વટેમાર્ગુઓ જાહેરમાં ઠંડીમાં ઠુંઠવાતા નજરે પડે, તો આસપાસના વિસ્તારના નાગરિકોએ હાપા જલારામ સેવા ટ્રસ્ટ ના રમેશભાઈ દત્તાણી-(૯૮૨૪૮ ૦૨૧૨૨), નવનીતભાઈ સોમૈયા (૯૮૨૪૨ ૩૪૩૪૬), અનિલભાઈ ચાવડા(૯૧૩૭૨ ૧૩૨૨૦), ભાવેશ તન્ના(૯૮૨૪૬ ૧૨૩૭૮) તેમજ વિરલ સોની(૯૪૨૭૫ ૭૨૫૪૬) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

(12:38 pm IST)