Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

મોરબી જીલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૭૯ ટકા મતદાન

પાંચ તાલુકામાં ઉત્સાહભેર મતદાન : દરેક તાલુકામાં ૮૦ ટકાની આસપાસ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦: મોરબી જીલ્લાની ગ્રામ પંચાયત ચુંટણી માટે આજે વહેલી સવારે ઠંડીના માહોલથી મતદાન શરુ થઇ ગયું હતું અને સાંજ સુધીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કરતા સાંજ સુધીમાં દરેક તાલુકામાં ૮૦ ટકા આસપાસ મતદાન રહેતા જીલ્લાનું સરેરાશ અંદાજીત મતદાન ૭૮ ટકાથી વધુ મતદાન નોંધાયું છે

મોરબી જીલ્લાની ૧૯૬ ગ્રામ પંચાયત ચુંટણી માટે સાંજે ૫ વાગ્યા સુધીમાં ૭૩.૧૩ ટકા મતદાન નોંધાયું હતું પુરુષ મતદારો સાથે સ્ત્રી મતદારો પણ હોશભેર મતદાન કરી લોકશાહીના પર્વને દિપાવ્યું હતું અને જીલ્લાના પાંચેય તાલુકામાં ૮૦ ટકા આસપાસ અંદાજીત મતદાન નોંધાયું હતું જેમાં મોરબી જીલ્લાના મોરબી તાલુકામાં ૭૦ ટકાથી વધુ, હળવદ તાલુકામાં ૮૧ ટકાથી વધુ તેમજ ટંકારા, વાંકાનેર અને માળિયા તાલુકામાં ૮૦-૮૦ ટકા જેટલું અંદાજીત મતદાન નોંધાયું છે અને મોરબી જીલ્લાનું સરેરાશ અંદાજીત મતદાન ૭૮ ટકાથી વધુ નોંધાયું છે જોકે મોડી સાંજ સુધી તો એક પેટા ચુંટણીમાં પણ સાંજ સુધીમાં ૮૩ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું

મોરબી જીલ્લામાં પ્રથમ બે કલાકમાં ૯.૩૯ ટકા મતદાન થયું હતું તો સવારે ૧૧ સુધીમાં ૨૫.૪૬ ટકા મતદાન, બપોરે ૧ વાગ્યા સુધીમાં ૪૨.૪૬ ટકા મતદાન નોંધાયું હતું જયારે બપોરે ૩ સુધીમાં મતદાનના આંકડા ૫૮.૭૭ ટકાએ પહોંચ્યા હતા અને સાંજે ૫ સુધીમાં ૭૩.૧૩ ટકા મતદાન નોંધાઈ ચુકયું હતું.માળીયા (મી)ના જુના દ્યાટીલા ગામના લોકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામલોકોને બુથ ઓછા હોવાથી થોડી મુશ્કેલી પડી રહી હતી.જેમાં ગામમાં ૩૬૦૦ ની આસપાસ મતદારોની સામે ૩ જ મતદાન બુથ હતા. વધુ વસ્તી હોવા સામે બુથ ઓછા હોવાથી મતદાન બુથ ઉપર ભીડ જામી હતી અને બે કે ત્રણ કલાકે મતદાન કરવાનો વારોમાં વારોઆવતો હતો. આથી ગામલોકોને મુશ્કેલી ભોગવવી પડતી હોય બુથ વધારવાની માંગ ઉઠી હતી.આમ તો છ વાગ્યે મતદાન પૂરું થઈ ગયું હતું.પણ મોરબી જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લી ઘડીએ મતદારોની ભારે ભીડ જોવા મળી હતી એટલે છ વાગ્યા પહેલા લોકો મતદાન કેન્દ્રમાં આવી જતા ઘણી જગ્યાએ આઠ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું.

(12:40 pm IST)