Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

મોરબી : ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પોલીસ તંત્ર અને મામલતદાર સ્ટાફ ખડેપગે રહ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦: મોરબી જિલ્લાની ૧૯૭ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુરક્ષા માટે મોટાભાગનો જિલ્લાનો પોલીસ સ્ટાફ ખડેપગે રહ્યો હતો. તમામ ૪૦૫ મતદાન બુથ ઉપર ૭૦૦ થી વધુ પોલીસ જવાનો મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ચાંપતી નજર રાખી રહ્યા હતા. ખુદ જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા મેદાને આવીને મતદાન પ્રક્રિયાનું સુપરવિઝન કરી રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકપણ ગેરરીતિ કે અનિચ્છનીય બનાવ બન્યો નથી.તમામ મતદાન બુથ ઉપર પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે. પીઆઇ,પીએસઆઇ સહિતના અધિકારીઓ જુદાજુદા ઝોનમાં નિરીક્ષણ કરી રહ્યા છે જો કે જિલ્લાના સંવેદનશીલ જાહેર કરાયેલા મતદાન બુથ ઉપર પણ પોલીસનો લોખડી બંદોબસ્ત હોવાથી શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું.

મોરબી અને માળીયા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉત્સાહપૂર્વક મતદાન થયું હતું. આ ચૂંટણીની સમગ્ર સચોટ વિગતો લોકો સુધી પહોંચી રહી હતી અને મહત્વપૂર્ણ કામગીરી મોરબી અને માળીયા મામલતદાર કચેરીના સ્ટાફ સતત ખડેપગે રહીને સુપેરે નિભાવી હતી.

મોરબી અને માળીયાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોરબી અને માળીયા મામલતદાર કચેરીનો સંપૂર્ણ સ્ટાફ ખૂબ જ મહેનતથી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યો હતો.જેમાં મોરબી તાલુકાના રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર ઘુંટુ ગામે આવેલ સરકારી પોલીટેકિનક કોલેજ ખાતે ગ્રામ્ય મામલતદાર ડી.જે.જાડેજા સહિતનો સ્ટાફ ચૂંટણી લક્ષી તમામ કામગીરી કરી હતી.જયારે માળીયાના મોટી બરાર ખાતે મામલતદાર ડી.સી.પરમાર સહિતનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી હતી અને દર બે કલાકે મતદાનની ટકાવારીની સચોટ વિગત આપી રહ્યો હતો. આ બન્ને કચેરીનો સ્ટાફ ચૂંટણી જાહેર થયા પછી તરતજ કાર્યરત થઈ ગયો હતો.તેમાંય ચૂંટણીના દિવસે સતત ખડેપગે રહીને તટસ્થ વિગતો આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતું.

(12:40 pm IST)