Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

ખંભાળીયામાં અન્ય એક કૌટુંબિક વ્યકિત પણ કોરોના પોઝીટીવ

વિદ્યાર્થીની સંક્રમિતઃ શાળા એક સપ્તાહ બંધ

જામખંભાળિયા, તા. ૨૦ :. ખંભાળીયાના રામનાથ વિસ્તારમાં આવેલી સેન્ટ કર્વે સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને કોરોના અંગેના લક્ષણ જણાતા તેણીનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જે શનિવારે પોઝીટીવ જાહેર થયો છે. ધોરણ ૧૦માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીના ભાઈના લગ્ન હોવાથી છેલ્લા આશરે છ દિવસથી રજા પર હતી અને છેલ્લા બે દિવસથી તેણી પુનઃ શાળામાં આવ્યા બાદ શનિવારે તેણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાથી તા. ૧૮થી આગામી તા. ૨૬ ડીસેમ્બર સુધી આ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.

આ રીપોર્ટ બાદ આરોગ્ય તંત્રએ સક્રિય બની અને અન્ય પરિવારજનોનો રીપોર્ટ કરતા તેમના પરિવારના અન્ય એક સદસ્ય પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ છે. આથી આરોગ્ય વિભાગ દ્વારા આ બન્નેના સેમ્પલ લઈ અને વધુ પૃથ્થકરણ અર્થે ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આરોગ્ય વિભાગ દ્વારા આ શાળાના શિક્ષકોના પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓના પણ ટેસ્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયુ છે.

આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા આખી શાળાને સેનીટાઈઝડ કરાવી અને આ અંગે શાળા તંત્રને જરૂરી પગલા લેવા તેમજ કોરોના સામે વધુ સાવચેત રહેવા અન્ય શાળાઓને પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

રાજકોટ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે કોરોના સંક્રમિત બનતા વાલીઓમાં ફફડાટની લાગણી પ્રસરી છે.

બે દિવસમાં ત્રણ કેસ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે કુલ ૧,૦૩૯ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમા ખંભાળિયાના ઉપરોકત બે કેસ પોઝીટીવ મળી આવ્યા છે. આ ઉપરાંત ગઈકાલે રવિવારે પણ તંત્ર દ્વારા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં મળી કુલ ૨૦૫ ટેસ્ટ કરાયા હતા. જેમાં કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામના એક વ્યકિતને કોરોના હોવાનું ખુલવા પામ્યુ છે.

(1:18 pm IST)