Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

આરંભડાની યુવતી સાથે સંબંધ કેળવી, ધમકી આપતા શખ્સના ત્રાસથી કંટાળીને યુવતીએ અગ્નિસ્નાન કરી લેતા મૃત્યુ

જામખંભાળિયા તા.ર૦ : દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતી શીતલબેન કાયાભાઇ બેચરભાઇ લધા નામની આશરે ર૦ વર્ષની અનુ. જાતિની એક યુવતીએ ગત તા.૮ ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથેથી શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેણીને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયુ હતુ.

આ બનાવ બનતા મૃતક યુવતીના નાનાભાઇ ઉમેશભાઇ કાયાભાઇ લધા (ઉ.વ.૧૯, રહે. આરંભડા સીમ) દ્વારા  મુળ કોડીનારના અને હાલ આ જ વિસ્તારમાં રહેતી અને મજુરીકામ કરતા ગોપાલ ઉર્ફે સુમિત મેરૂભાઇ ચુડાસમા નામના શખ્સે સ્થાનિક પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ મૃતક શીતલબેનને આરોપી ગોપાલ ઉર્ફે સુમિત ચુડાસમા સાથે છેલ્લા આશરે એકાદવર્ષથી રિલેશનશિપ હોય આ દરમિયાન ગોપાલ ઉર્ફે સુમિત દ્વારા શીતલબેનને રિલેશનશીપની કોઇને જાણ ન કરવા અંગે ધમકી આપવામાં આવતી હતી.  જો તેણી કોઇને આ અંગે જાણ કરશે તો તે તેના ભાઇને મારી નાખશે અને બદનામ કરશે તેમ વધુમાં જણાવાયું છે. આમ, ગોપાલ ઉર્ફે સુમિત ચુડાસમાની ધમકી તથા માનસિક ત્રાસ ઉપરાંત યુવતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી, અવાર નવાર ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી તેને આ બાબતથી કંટાળીને પોતાના હાથે પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા તેણીને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ સમગ્ર બનાવ અંગે જે તે સમયે સ્થાનિક પોલીસમાં જરૂરી નોંધ થયા બાદ પોલીસ દ્વારા ઉપરોકત યુવતીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. બાદમાં હોસ્પિટલના બિછાને જ યુવતીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આમ, યુવતીના ડાઇંગ ડેકલેરેશન (મરણોન્મુખ નિવેદન)ના આધારે યુવતીના ભાઇ ઉમેશભાઇ લધાની ફીરયાદ પરથી મીઠાપુર પોલીસે ગોપાલ ઉર્ફે સુમિત મેરૂભાઇ ચુડાસમા સામે આઇ.પી.સી. કલમ ૩૦૬, પ૦૬ (ર) તથા એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધી, સ્થાનિક પી.આઇ. જી.આર.ગઢવી સાથે મુખ્ય તપાસનીસ અધિકારી તરીકે એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા જરૂરી કાર્યવાહી કરી આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(1:27 pm IST)