Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જામનગરમાં માતા - પિતા વિહોણી ૧૬ દિકરીઓના જાજરમાન લગ્ન

૨૭મી જાન્યુઆરીએ તપોવન ફાઉન્ડેશનનું ભવ્ય આયોજન : સંતો આશિર્વાદ પાઠવશે

છોટી કાશી ગણાતા જામનગરને આંગણે આગામી ૨૦૨૨ના જાન્યુઆરીમાં મા-બાપ વિહોણી ૧૬ દિકરીઓને તપોવન ફાઉન્ડેશન દ્વારા જીવનની નવી ઇનિંગમાં જાજરમાન લગ્ન સંસ્કાર સાથે પ્રણામી સંસ્થાના ગ્રાઉન્ડમાં પ્રભુતામાં પગલાં માંડે ત્યારે વિશ્વ વિખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી) સહિતના સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ૨૭મી જાન્યુઆરી, ૨૦૨૨ના ગુરૂવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેની પત્રકાર પરિષદમાં ટ્રસ્ટીઓએ માહિતી આપી હતી. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૦ : તપોવન ફાઉન્ડેશન - જામનગર દ્વારા સર્વ જ્ઞાતિની મા - બાપ વિહોણી ૧૬ દિકરીઓના જાજરમાન સમુહ લગ્નનું જામનગરમાં સૌ પ્રથમવાર આયોજન તપોવન ફાઉન્ડેશન - જામનગર દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃત્ત્િ।ઓ થાય છે.

એક મોરપીંછ સમાન અનેરા સમુહ લગ્ન આયોજન આગામી તારીખ ૨૭,જાન્યુઆરી, ૨૦૨૨ને ગુરૂવાર ના રોજ પ્રણામી સંસ્થાનું મેદાન , હિરજી મિસ્ત્રી રોડ ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં તેમના આશિર્વાદ સાથે થવા જઈ રહ્યું છે.

સમાજમાં અલગ અલગ જ્ઞાતિઓ પોતપોતાની જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરતી હોય છે, કયારેક અમુક સંસ્થાઓ દ્વારા સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન પણ થતું હોય છે, પરંતુ મા - બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી સર્વ જ્ઞાતિની દિકરીઓના સમુહ લગ્નનું આયોજન જામનગરમાં સૌ પ્રથમ વાર તપોવન ફાઉન્ડેશન દ્વારા 'કન્યાદાન લગ્નોત્સવ' તરીકે થઇ રહ્યું છે.

આ લગ્નોત્સવમાં અલગ અલગ જ્ઞાતિઓની ૧૬ દિકરીઓ સમુહ લગ્ન દ્વારા પ્રભુતામાં પગલા માંડશે.  તપોવન ફાઉન્ડેશન આવી દિકરીઓના માતા - પિતાના કર્તવ્યભાવે સમૃદ્ઘ કરીયાવર ૪ દિકરીઓને આપશે.

આ પ્રસંગની વિશેષતા એ છે કે દિકરી ન હોય તેવા માતા - પિતા કન્યાદાનના આ પુણ્યકાર્યનો લાભ લે તો પણ ભાવ છે. આ લગ્નોત્સવની ખાસ વિશેષતા એ છે કે હિન્દુ શાસ્ત્રોકત વિધિ જેવીકે લગ્ન લખવાની વિધિ, ગણેશ સ્થાપન, મંડપ મુહુર્ત, ગ્રહ શાંતિ, હસ્ત મેળાપ અને સપ્તપદિના ફેરા સહિતની તમામ વિધિઓ વિદ્વાન પંડીતો દ્વારા કરાવવામાં આવશે તદઉપરાંત દિકરીઓને મહેંદી અને બ્યુટી પાર્લરની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે તદઉપરાંત સમુહ લગ્નમાં ૧૬ વરરાજાઓનો વરઘોડો એક સાથે નીકળશે અને લગ્ન મંડપે પહોંચશે ઉપરાંત બહારગામથી આવતી જાનના સભ્યોને ઉતારાની, ભોજનની તેમજ વરરાજાને તૈયાર કરવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા થનાર છે.

જામનગરના આંગણે યોજાનાર ભવ્ય કન્યાદાન લગ્નોત્સવ દરમ્યાન વિશ્વ વિખ્યાત ભગવતાચાર્ય પૂ. ભાઇશ્રી શ્રી રમેશભાઇ ઓઝા નવદંપતીઓને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહશે. આ ઉપરાંત જામનગરને હર હંમશ જેઓના આશિર્વાદ મળતા રહે છે તેવા પ. પૂ. મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પ.પૂ.ગો. શ્રી વલ્લભરાયજી મહોદય પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે તદઉપરાંત પોરબંદરના પ્રસિદ્ઘ કથાકાર શ્યામભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહેશે. આ તમામ ગુરૂજનોના આશિર્વાદ આ નવદંપતીઓને મળવાના છે.

આ સમૂહ લગ્ન ગૌરવશાળી રીતે પુર્ણ થાય તે માટે તેમજ સફળ બનાવવા માટે ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજેનભાઇ જાની , ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી (પુર્વ રાજય મંત્રી) , ટ્રસ્ટી પરેશભાઇ જાની સતતપણે તેમના કાર્યકર્તાની ટીમ સાથે કાર્યરત છે.

(1:21 pm IST)