Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

દ્વારકા જિલ્લામાં ૭પ ટકા જેટલું મતદાન

ર૩પ૪ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં શીલ

જામખંભાળિયા તા.ર૦ : ખંભાળિયા તાલુકામાં ૭૪, ભાણવડ તાલુકામાં ર૯, કલ્યાણપુર તાલુકામાં ૩૪ અને દ્વારકા તાલુકામાં ૧૯ ગ્રામ પંચાયતો પૈકી અનુક્રમે ખંભાળિયાની ૮, ભાણવડની ૮, કલ્યાણપુરની ૪ તથા દ્વારકાની સાત ગ્રામ પંચાયત સમરસ જાહેરથયા બાદ ૧ર૮ ગ્રામ પંચાયતની ચુંટણીમાં આ વખતે ભારે ગરમાવા સાથે રાજકીય રંગ પણ જામ્યો હતો. આ ચુંટણી અનેક વિસ્તારોમાં ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી હતી અને છેવટ સુધીના મતદારોને યેનકેન પ્રકારે રીઝવવાના પ્રયાસો ભારે ચર્ચામાં રહયા હતા.

મતદાનના પ્રથમ ચરણમાં ૧૧ વાગ્યા સુધીમાં ખંભાળિયા ૧પ.ર૦ ટકા, કલ્યાણપુરમાં ર૬.૧૪ ટકા, ભાણવડ રપ.૩પ ટકા અને દ્વારકામાં ૧૯.૦૮ ટકા જેટલું ધીમુ મતદાન થયુ હતુ. બાદમાં સ્થાનિકો દ્વારા મતદાન માટે મતદારોને રીઝવવા તથા સમજાવવામાં આવતા સાંજે ૬ વાગ્યા સુધીમાં નોંધપાત્ર મતદાન થઇ ચુકયુ હતુ.

આ અંગે તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા પ્રાથમીક અને અંદાજિત આંકડા મુજબ ખંભાળિયા તાલુકામાં ૭૭ ટકા, ભાણવડ તાલુકામાં ૭૬.૧૧ ટકા, કલ્યાણપુરમાં તાલુકામાં ૭પ.૭૧ ટકા તથા દ્વારકા તાલુકામાં ૬૮.પ૧ ટકા જેટલું મતદાન થવા પામ્યુ છે. આમ, આશરે ૭પ ટકા જેટલા નોંધપાત્ર મતદાનના આજે સવાર સુધીમાં તંત્ર દ્વારા સત્તાવાર  અને સંપુર્ણ આંકડાઓ જાહેર થયા ન હતા.

જિલ્લાની ૧ર૮ ગ્રામ પંચાયતના ૩૪૧ સરપંચ પદના ઉમેદવાર તથા ર૦૧૩ સભ્યપદના ઉમેદવાર મળી કુલ ર૩પ૪ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે.જેની ગણતરી આવતીકાલે મંગળવારે સવારે સ્થાનિક કક્ષાએ હાથધરવામાં આવશે.

ગ્રામ પંચાયતની ચુંટણીમાં અનેક ગામડાઓમાં ઉત્સાહ ભર્યો માહોલ જોવા મળ્યો હતો અને મતદારોની ભીડ રહી હતી. આમ, આ ચુંટણી કેટલાક સ્થળોએ રાજકીય પક્ષો માટે તેમજ કેટલાક ગામોમાં રાજકીય અને સ્થાનિક આગેવાનો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી હતી.

(1:22 pm IST)