Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

જેતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોનું ઉત્સાહ ભેર ૭પ.૭૬ ટકા મતદાનઃ સેલુકા ગામે ૧૦પ વર્ષના વૃધ્ધાએ મતદાન કર્યુ

પાંચ ગામો સમરસ થતા ૪૦ ગામોમાં મતદાન યોજાયુઃ વિરપુરમાં મારા-મારીની સામ સામી ફરીયાદ નોંધાઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૦ :..સ્થાનીક સ્વરાજયની  ગ્રામ  પંચાયતની ચૂંટણીમાં તાલુકાના કુલ ૪૭ ગામો પૈકી ૪૦ ગામોમાં ગઇકાલે મતદાન કરવામાં આવેલ રબારીકા, થોરાળા, પ્રેમગઢ, લુણાગરા, સરધારપુર આ પાંચ ગામો કોઇ હરીફ ઉમેદવારી નોંધાઇ ન હોય. સમરસ થયા હતાં. રૂપાવટી ગામમાં એક જ વોર્ડ માટે ચૂંટણી થયેલ. સેલુકા ગામે સૌથી વયો વૃધ્ધ દેવુબેન ચાવડા નામના ૧૦પ વર્ષના વૃધ્ધાએ પોતાનો મતાધીકારનો ઉપયોગ કરી મતદાન કરેલ.

સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજ સુધીમાં ૭પ.૭૬ ટકા મતદાન થયેલ જેમાં મહીલાઓએ પણ ઉત્સાહભેર મત આપેલ વાળા ડુંગરા ગામે સૌથી વધુ ૮૯.૬પ ટકા અને કાગવડમાં ૮૯.ર૧ ટકા મતદાન નોંધાયુ હતું. સાંજે ૬ કલાકે તમામ ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ કરવામાં આવેલ. આવતી કાલે સવારે સેન્ટ કોસીસ સ્કુલ ખાતે મતગણતરી કરવામાં આવશે.

વિરપુર ગામે મતદારને મોબાઇલ લઇ મતદાન કરવા આવતા તે પ્રશ્ને માથાકુટ થયેલ હોય જેમાં બન્ને પક્ષે સામસામી ફરીયાદ નોંધાયેલ પોલીસ કર્મી પરેશભાઇ સીંધવે ફરીયાદમાં જણાવેલ કે મતદાર તરીકે આવેલા રાજેશભાઇ ધાધલ મોબાઇલ લઇને આવેલ જેને બહાર રાખવાનું કહેતા મતદાન કરી બહાર આવી તમે બધા મોબાઇલ રાખો છો કેમ તેમ કહી ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરેલ અને ફરજમાં રૂકાવટ કરેલ જયારે સામા પક્ષે પણ રાજેશભાઇએ ફરીયાદ કરતા પોલીસે માર મારેલ તેમ જણાવેલ.

(1:27 pm IST)