Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

દ્વારકા નજીક કારની હડફેટે બાઇક સવારનું કરૂણ મોત

જામખંભાળીયા, તા., ર૦: દ્વારકા નજીકના ધોરી માર્ગ પર દ્વારકાથી આશરે રર કિલોમીટર દુર ચરકલા-મુળવાસર હાઇવે માર્ગ પર પુરઝડપે અને બેફીકરાઇપુર્વક જઇ રહેલા એક અજાણ્યા ફોર વ્હીલર વાહનના ચાલકે આ માર્ગ પર જી.જે.૧૦ એ.એઆર.ર૦૯૭ નંબરના મોટર સાયકલ ઉપર જઇ રહેલા મુળવાસર ગામના ફોગાભા નાયાભા માણેક નામના એક આસામીના મોટર સાયકલને અડફેટે લીધું હતું.

આ ગંભીર ટક્કરમાં ફોગાભા માણેક બાઇક સાથે ફંગોળાઇ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થતા તેમનું કરૂણ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે મુળવાસર ગામના મેરૂભા માલાભા માણેકની ફરીયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા ફોર વ્હીલર સામે તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુરમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે ત્રણ રસ્તા નજીક સ્થાનીક પોલીસે કાળુભા ભુપતસિંહ વાઢેર નામના એક શખ્સના મકાનમાં દરોડો પાડી સ્થળેથી રૂપીયા પર૦૦ કિંમતની પર બોટલ ઇંગ્લીશ દારૂના નાના ચપલા તથા બે અધુરી ભરેલી બોટલ દારૂ કબજે કર્યો હતો. આ સ્થળેથી પોલીસે ઇરફાન ઉર્ફે ગની ઓસમાન રાનીયા અને સહદેવસિંહ દીલુભા વાઢેર નામના બે શખ્સોની અટકાયત કરી, રૂ. દોઢ લાખની કિંમતની ઇકો કાર તથા રૂપીયા ૧.૮૦ લાખની કિંમતના પાંચ નંગ મોટર સાયકલ મળી કુલ રૂપીયા ૩,૩૬,૬૭૦ ના મુદામાલ સાથે ઇરફાન અને સહદેવસિંહની અટકાયત કરી હતી.

આ દરોડા દરમિયાન મકાન માલીક ઘનશ્યામસિંહ ઉર્ફે કાળુભા ભુપતસિંહ વાઢેર, બળદેવસિંહ ભીખુભા વાઢેર, ખોડુભા હેમુભા વાઢેર, જીતેન્દ્રસિંહ વાઢેર, રણજીતસિંહ મહોબતસિંહ વાઢેર, નવુભા બચુભા વાઢેર અને નાથુભા લખુભા વાઢેર નામના સાત શખ્સોના નામ ખુલવા પામ્યા છે. જેથી કલ્યાણપુર પોલીસે પ્રોહી. એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મેવાસા ગામે પાંચ જુગારીઓ ઝડપાયા

દ્વારકા તાલુકાના મેવાસા ગામે સ્થાનીક પોલીસે મોરીધાર વાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપતા વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા કારૂભા પુંજાભા સુમાણી, જેસલભા રાજભા કેર, ભાષાભા રાયદેભા કેર, રણધીરભા વાલાભા માણેક અને મેરૂભા કારાભા કેર નામના પાંચ શખ્સોને ઝડપી લઇ કુલ રૂપીયા ૧૧,૯પ૦નો માુદામાલ કબ્જે કર્યો છે.

દ્વારકાની પરીણીતાને ત્રાસ

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી અને રસુલમીયા બુખારીની ર૪ વર્ષીય પરીણીત પુત્રી રેહાનાબેન ઇરફાન બુખારીને તેણીના નિકાહના આશરે છ માસ પછીથી તેણીના મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે રહેતા પતિ ઇરફાન ઇબ્રાહીમ બુખારી, સસરા ઇબ્રાહીમ ઇશાકમિયા બુખારી, સાસુ સલમાબેન તથા દેર મોસીન ઇબ્રાહીમ ઉપરાંત ઓખા ખાતે રહેતી નણંદ સાહિસ્તાબેન સાહીલભાઇ બુખાણી દ્વારા અવાર નવાર મેણા-ટોણા મારી શારીરીક થતા માનસીક દુઃખ ત્રાસ આપ્યાની ઉપરાંત દહેજની માંગણી કરી, ઝઘડો કરતા આ અંગે ધોરણસર ફરીયાદ અહીના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ પાંચ સાસરીયાઓ સામે આઇપીસી કલમ ૪૯૮(એ) ૩ર૩, પ૦૪ તથા ૧૧૪ અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(1:24 pm IST)