Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સાવરકુંડલાના સીમરણ પાસે અકસ્માત ર પુત્ર સહિત દંપતીનું મોતઃ અરેરાટી

મતદાન કરીને પરત ફરતી વખતે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો રાજકોટ આહિર સમાજના અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા સહિતના સેવાભાવીઓ મદદે દોડી ગયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૦ :  અમરેલી જીલ્લાનાં સીમરણ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં દંપતિ અને ર પુત્રના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલા- અમરેલી રોડ પર આવેલા સીમરણ ગામના પાટીયા નજીક કાર અને ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાફરાબાદના માણસા ગામથી વલસાડ તરફ પરત ફરી રહેલા ગુર્જર પરિવારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક પરિવારના ૪ સભ્યોના મોત નિપજયા હતા. જાફરાબાદના માણસા ગામેથી કારમાં પતિ-પત્ની તથા તેમના બે પુત્રો સહિત ચાર જતા હતા. ત્યારે કાર અને ટ્રક અથડાતા કારમાં રહેલા ઉમેશ મનુભાઇ ગુર્જર (ઉ.વ.૩૭), તેના ભાઇ કૌશિક (ઉ.વ.૩૩) તથા માતા ભાગુબેન (ઉ.વ.પપ) ગંભીર ઇજા થતા મોત થયું હતું. જયારે આ ઘટના પગલે પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઇને તપાસ શરૂ કરી છે.

આખો પરિવાર માતા-પિતા અને બે પુત્રો મતદાન કરવા માટે ઉનાના ધોકડવા ગામે ગયા હતા અને ત્યાર બાદ તેઓ જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે આવ્યા હતા. ત્યાંથી પરત વલસાડ જઇ રહ્યા હતા. અને રસ્તામાં જ અકસ્માત સર્જાતા દંપતી તથા બે પુત્રોના મોત થયા હતા. આ બનાવથી ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.

ગઇકાલે અમરેલી પંથકના સીમરણના પાટીયા નજીક થયેલો ગમખ્વાર અકસ્માતની જાણ થતા રાજકોટના આહિર સમાજના જાણીતા અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા મદદે દોડી ગયા હતા. તેઓએ રાજકોટની સીનર્જી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત દર્દી માટે વ્યવસ્થા કરી હતી. બાદમાં અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દર્દીનું મૃત્યુ નીપજયું હતું. બાદમાં જરૂરી વ્યવસ્થા માટે ઘનશ્યામભાઇ હેરભા સતત સાથે રહ્યા હતા.

(1:24 pm IST)