Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

'હરી-૧' અને 'હરી-૨' કોડવર્ડથી પાકિસ્તાની શખ્સો ડ્રગ્સની ડિલીવરી કરવાના હતા

પાકિસ્તાની ડ્રગ માફિયા હાજી હરણ અને હાજી હાસમે મોહમ્મદ ઇમરાનને ડ્રગ્સ માટે બોટની વ્યવસ્થા કરવા કહ્યુ'તું : ફાયબર બોટમાં જથ્થો લાવતા ઝડપાઇ ગયા

ભુજ : તસ્વીરમાં ઝડપાયેલ ૬ શખ્સો તથા બોટ નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા, ભુજ)

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : કચ્છમાંથી એટીએસ ગુજરાત અને કોસ્ટગાર્ડની ટીમે ૪૦૦ કરોડના ડ્રગ્સના જથ્થા સાથે ૬ પાકિસ્તાની શખ્સોને ઝડપી પાડયા છે.

ગુજરાત રાજયમાં આતંકવાદ અને કોઇ પણ પ્રકારની ઘુસણખોરી તથા નાર્કોટીકસની બદી સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ છે જે અન્વયે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગુજરાત રાજયમાં કોઇ પણ પ્રકારની આતંકવાદી ઘટના ન બને તથા ગુજરાત રાજયના ૧૬૦૦ કિ.મી. જેટલા સંવેદનશીલ દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન થાય તે અંગે સતત તકેદારી રાખવામાં આવેલ છે. ગૃહમંત્રી તથા પોલીસ મહાર્નિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી  દ્વારા ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન પ્રેરિત નાર્કોટિકસ સિન્ડીકેટનો નિશાનો ન બને તે માટે ગુજરાત એ.ટી.એસ, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ કટિબદ્ઘ છે.

એ.ટી.એસ.ના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયા નાઓને બાતમી મળેલ હતી કે 'પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો કરાચી પોર્ટથી ભારત પાકિસ્તાન IMBL નજીક જખૌથી આશરે ૩૫ નોટીકલ માઇલ દૂર પાકિસ્તાની બોટ 'અલ હુસેની'માં આવવાનો છે અને પંજાબમાં અંડર્વલ્ડ સાથે સંકળાયેલ ઇસમોને મોકલવામાં આવનાર છે.' જે બાતમી આધારે એ.ટી.એસ.ની ટીમ જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડ ના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાએ આવી પેટ્રોલીંગમાં રહી ગત મોડી રાત્રે બાતમીવાળી જગ્યાએ એટલે કે જખૌથી ૩૫ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ 'અલ હુસેની' જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરી આ બોટમાં રહેલ છ પકિસ્તાની ઇસમો તથા તેમના કબ્જામાં રહેલ ૭૭-કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિમત આશરે ૩૮૫ કરોડનો તથા આ પાકિસ્તાની 'અલ હુસેની' બોટ પકડી લઇ જખો કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

એ.ટી.એસ.ના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળેલ હતી કે પાકિસ્તાની ડ્ઞ્સ માફિયા હાજી હસન તથા હાજી હાસમ દ્વારા એક પાકિસ્તાની બોટ નામે

'અલ હુસેની'માં કરાચીથી નિકળી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ભારતીય જળ સીમામાં ગુજરાતના જખૌથી આશરે ૩૫ નોટીકલ માઇલ દૂર રહી વી.એચ.એફ. ચેનલ નં ૭૧ ઉપર 'હરી-૧' - 'હરી-૨' કોડવર્ડથી સંપર્ક કરી ડીલીવરી કરવાના છે જે બાદમાં કચ્છના દરિયા કિનારે કોઇ જગ્યા પર ઉતારી પંજાબ ખાતે અંડરવર્લ્ડ સાથે સંકળાયેલ ઇસમોને મોકલવામાં આવનાર છે. જે અંગેની બાતમી હકિકત એ.ટી.એસ.ને મળતા એ.ટી.એસ.ના પો.ઇન્સ. એમ.સી.નાયક, પો.સ.ઇ. બી.એચ. કોરોટ તથા પો.સ.ઇ. આર.જે.ઠુમ્મર નાઓની ટીમને જખો ખાતે રવાના કરેલ તથા જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી રવાના થઇ ભારતની ૧/૩૧. સીમામાં જખૌથી પશ્ચિમે આશરે ૩પ નોટીકલ માઇલ દૂર મોજુદ પાકિસ્તાની બોટ 'અલ હુસેની'ને આંતરી આ બોટમાં રહેલ છ પાકિસ્તાનીઓ (૧) મોહમ્મદ ઇમરાન વાઘેર સ/ઓ મો. તારીક, રહે. મુસ્લીમ મુજાહીદ્દ કોલોની,બલ્દીયા ટાઉન, કરાચી, પાકિસ્તાન (૨) ઈસ્માઈલ બડાલા સ/ઓ ઇબ્રાહિમ, રહે. બદર ગ્રાઉન્ડ,કેમાળી, કરાચી પાકિસ્તાન (૩)  મોહમ્મદ સાજીદ વાઘેર સ/ઓ હુસેન રહે. મુસ્લીમ મુજાહીદ્દ કોલોની,બલ્દીયા ટાઉન, કરાચી, પાકિસ્તાન (૪) સાગર વાઘેર સ/ઓ મોહમ્મદ રહે. બાબા આઈલેન્ડ, કેમાળી, કરાચી, પાકિસ્તાન (૫) મોહમ્મદ દાનિશ વાઘેર સ/ઓ મોહમ્મદ હસેન, રહે. મુસ્લીમ મુજાહીદ્દ કોલોની,બલ્દીયા ટાઉન, કરાચી, પાકિસ્તાન (૬) અશ્ફાક વાઘેર સ/ઓ મોહમ્મદ ઇશાક, રહે. મુસ્લીમ મુજાહીદ્દ કોલોની,બલ્દીયા ટાઉન, કરાચી, પાકિસ્તાન તેમજ તેમના કબ્જામાં રહેલ ૭૭ કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત

આશરે ૩૮૫-કરોડનો તથા આ પાકિસ્તાની 'અલ હુસેની' બોટ પકડી લઇ જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે પાકિસ્તાની ડગ માફિયા હાજી હસન તથા હાજી હાસમ આ કામે પકડાયેલ આરોપી મોહમ્મદ ઇમરાનને ડ્રગ્સની ડિલીવરી કરવામાં એક બોટની વ્યવસ્થા કરવા જણાવતા તેણે સહ આરોપી સાગર મારફતે કરાચીના શેબાઝ અલી નામના વ્યકિતની બોટ ફિશીંગ માટે ભાગીદારીથી મેળવી કરાચી મેઇન બંદરથી ઉપરોકત પકડાયેલ છ આરોપીઓ રવાના થયેલ. ત્યારબાદ મોડી રાત્રે કરાચી બંદરથી આશરે ૬ નોટીકલ માઇલ દૂર આવી હાજી હાસમ તથા હાજી હસન નાઓનો સંપર્ક કરતા તેઓએ હાજી હાસમના ભાણા 'મામુ' તથા બે ઇસમો મારફતે એક ફાયબર બોટમાં પ્રતિબંધીત હેરોઇનનો જથ્થો મિણીયાની થેલીઓમાં મોકલાવેલ અને આ હેરોઇનનો જથ્થો ભારતીય જળ સીમામાં ગુજરાતના જખૌથી આશરે ૩૫ નોટીકલ માઇલ દૂર રહી વી.એચ.એફ. ચેનલ નં ૭૧ ઉપર 'હરી-૧' - 'હરી-૨' કોડવર્ડથી સંપર્ક કરી ડીલીવરી કરવાની તજવીજ કરી રહેલ જે દરમ્યાન પકડાઇ ગયેલ.

આમ ગુજરાત એ.ટી.એસ. દ્વારા ઓગસ્ટ ૨૦૧૮ થી ડીસેમ્બર ૨૦૨૧ દરમ્યાન વિવિધ ઓપરેશનો પાર પાડી દરીયાઇ માર્ગે થતી પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અટકાવી આશરે ૯૨૦ કિલો જેટલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કરેલ છે જેની બજાર કિંમત રૂ. ૪૬૦૦ કરોડ જેટલી થાય છે. જેમાં વિવિધ પાકિસ્તાની, ઇરાની તથા અફઘાની ઇસમોની ધરપકડ કરેલ છે તથા તેમને મદદ કરતા ભારતીય ઇસમોની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આમ ગુજરાત એ.ટી.એસ.એ ગુજરાતના અતિસંવેદનશીલ ૧૬૦૦ કિ.મી.ના દરિયાઇ માર્ગ પર બાજ નજર રાખી પેટ્રોલીંગ કરી તથા ગુપ્ત બાતમી હકીકતો મેળવી આ જળમાર્ગે થતી પ્રતિબંધીત માદક પદાર્થની હેરાફેરી તથા આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય ઘુસણખોરીના કાવતરાંને રોકવામાં સફળ રહેલ છે.

(3:50 pm IST)