Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

મોરબી પ્રાંત અધિકારી ઓફિસ ક્લાર્ક નિર્મળ ખુંગલા રૂ.75 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

અરજદારે ફડસર ગામ નજીક રસ્તો ખુલ્લો કરવા અરજી કરતા લાંચ માંગી હતી : અમદાવાદ એસીબી ટીમે છટકું ગોઠવી લાંચ લેતા ઝડપી લીધો

મોરબી :આજે સમી સાંજે મોરબી પ્રાંત અધિકારી ડી એન ઝાલાની ઓફિસના ક્લાર્ક નિર્મળ ખુંગલાને 75 હજારની લાંચ લેતા રંગેહાથ અમદાવાદ એસીબી ટીમે ઝડપી લીધા છે અરજદાર દ્વારા ફડસર ગામ નજીક રસ્તો ખુલ્લો કરવા અરજી કરી હતી. જેમાં ક્લાર્ક નિર્મળ ખુંગલા દ્વારા અરજદાર પાસે 75000 રૂપિયાની લાંચ માંગી હતી.

આ બાદ અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કરતા એસીબી ટીમે છટકું ગોઠવી આરોપી નિર્મળ ખૂંગલાને લાંચની 75000 રકમ સાથે રંગે હાથ પકડી પાડ્યો હતો જો કે મોરબીમાં આગાઉ પણ સર્કલ અને તલાટી કમ મંત્રી સામન્ય બાબતમાં લાંચ લેતા એસીબીના ઝપટે ચડી ગયા છે.

ત્યારે આ એસીબીના સપાટા થી રેવન્યુ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે હાલ અમદાવાદ એસીબી ટીમે આરોપીને અને લાંચની રકમ સાથે મોરબી એસીબી ઓફિસ ખાતે લઈ જઈ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં આરોપી કલાર્ક ના ઘરની અને બેન્ક એકાઉન્ટની ઝડતી પણ એસીબી ટિમ દ્વારા લેવામાં આવનાર હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમદાવાદ એસીબીની ટીમે વલસાડમાં સપાટો બોલાવી વલસાડ સીટી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ વતી લાંચ લેતા વચેટિયા વકીલને ઝડપી પાડયો હતો.. દારૂના એક કેસમાં મહિલા પીએસઆઇએ સેલવાસના એક બાર માલિકનાને હેરાન નહીં કરવા અને મેટરની પતાવટ કરવા માટે રૂપિયા દોઢ લાખની લાંચ માગી હતી.

જેને લેવા જતા વચેટિયો વકીલ અમદાવાદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જોકે, મુખ્ય આરોપી મહિલા પીએસઆઇ અત્યારે ફરારછે. આમ અમદાવાદ એસીબીએ વલસાડમાં સપાટો બોલાવતા વલસાડ જીલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો

(9:25 pm IST)