Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

પોરબંદર : વીજ બીલમાં ભાવ વધારો તાત્‍કાલિક પરત ખેંચવા કોંગ્રેસની માંગણી

નવા બે મહિનાના વીજ બીલમાં ૧૦૦ થી ૧૨૫ રૂપિયા વધી જશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૨૧ : વીજ દરમાં વધારો કરાતા બે મહિને હવે ૧૦૦ થી ૧૨૫ રૂપિયા વીજ ગ્રાહકોને વધારે ચૂકવવા પડશે. વીજબીલમાં આ ભાવ વધારો પરત ખંચવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

 કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે, પી.જી.વી.સી.એલ. દ્વારા વિજળીના બિલમાં યુનિટ દીઠ રૂા. ૨.૬૦ લેખે વસુલાતો ફયુઅલમાં ૨૫ પૈસાનો વધારો ઝીંકીને રૂા. ૨.૮૫ પૈસા કરાયો છે. બે માસે અપાતું વીજબિલ રૂા. ૧૦૦ થી ૧૨૫ રૂપિયા વધી જશે. તેમણે જણાવ્‍યું છે કે, રાજ્‍યમાં સરકારી વીજ કંપનીઓ છેલ્લા પાંચ વર્ષથી વીજ વપરાશના યુનિટના ભાવમાં કોઈ વધારો કરાયો નહી હોવાનું કહી ક્રેડિટ લેવાની કોશિશ કરે છે પણ હકિકત આનાથી વિપરીત છે. ખરેખર તો તે છુપી રીતે ભાવવધારો કરી ગ્રાહકો પર બોજ નાખી રહી છે.

રાજ્‍યના ચાર સરકારી વીજ કંપનીઓ પર દેખરેખ રાખવા માટે ગુજરાત ઇલેક્‍ટ્રિસિટી રેગ્‍યુલેટરી કમિશન બનાવાયેલું છે જે જર્કના નામથી જાણિતું છે, તે યુનિટના ભાવમાં વધારો કરવો કે નહીં તે નક્કી કરે છે. તેણે છેલ્લા પાંચ વર્ષથી વીજ યુનિટના ભાવ વધાર્યા ન હોવાનું કહે છે. જોકે આ વાત ભ્રામક છે.જર્ક દ્વારા વીજ કંપનીઓને એફ.પી.પી.પી.એ. (ફયુલ એન્‍ડ પાવર પરચેઝ પ્રાઈસ એડજસ્‍ટમેન્‍ટ) હેઠળ ચાર્જમાં કરવાની મંજૂરી આપવામાં આવે છે. દર ત્રાણ મહિનાના ગાળામાં વીજ કંપનીઓ આ ચાર્જમાં વધારો કરી શકે છે.

આ ઉપરાંત વીજ કંપનીઓએ વીજ બીલ માટે જૂદ જૂદા સ્‍લેબ બનાવ્‍યા છે જે મુજબ વીજ વપરાશ વધતો જાય તેમ તેમ તેના ચાર્જ વધતાં જાય છે. જેમાં બેઝિક સ્‍લેબ ૨૦૦ યુનિટનો રખાયો છે. આ સ્‍લેબમાં પણ ગ્રાહકો પાસેથી યુનિટદીઠ ઊંચો ચાર્જ વસુલાય છે. પંજાબ, રાજસ્‍થાન, કર્ણાટક, મધ્‍ય પ્રદેશ, પヘમિ બંગાળ, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં ગુજરાત કરતા ઓછા ચાર્જ વસુલાય છે તેથી ત્‍યાં સસ્‍તી વીજળી મળે છે. સામાન્‍ય રીતે વીજ વપરાશના યુનિટ પર ઇલેક્‍ટ્રીસિટી ડયૂટી લાગવી જોઈએ. તેને બધ્‍લે ગુજરાત સરકારની વીજ કંપનીઓ વિવિધ ચાર્જ વસુલ્‍યા બાદ જે સંપૂર્ણ બિલની રકમ ગણાય તેના પર ઇલેક્‍ટ્રીસિટી ડયૂટી વસૂલવામાં આવે છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(4:11 pm IST)