Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

વિસાવદરના કાલસારી ગામે ગ્રામસભામાં ગામતળ-ગૌચર ખાલી કરાવવા મુદ્દે ખેડૂતો-માલધારીઓ આમને-સામને : પેચીદો પ્રશ્‍નઃ ભારે ઉત્‍કંઠા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૧ : વિસાવદરના કાલસારી ગામે ગામતળ-ગૌચરની જમીનો પરનુ દબાણ હટાવવા મુદ્દે ખેડૂતો-માલધારીઓ આમને સામને આવી ગયા છે. ગૌચર ખાલી કરાવવા મુદ્દે કાલસારીમાં ગ્રામસભા યોજાઇ હતી પણ કોઈ નિર્ણય થઇ શક્‍યો ન હતો.વિસાવદરના કાલસારી ગામે ગૌચર ખાલી કરાવવાના ચાલતા વિવાદ મુદ્દે ગ્રામસભા બોલાવવામાં આવી હતી.ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં હાજર રહેલ ખેડૂતો અને માલધારીઓ સામસામે આવી ગયા હતા.

માલધારીઓએ માંગ કરી હતી કે ગૌચર પરની પેશકદમી તાત્‍કાલિક ખાલી કરવા માંગ કરી હતી.બીજી તરફ સ્‍થાનિકો અને ખેડૂતોની માંગણી હતી કે,પહેલા ગામતળમાં કરવામાં આવેલી દેશકદમી દૂર કરવામાં આવે ત્‍યારબાદ સ્‍વેચ્‍છાએ ગૌચરની પેશકદમી ખુલ્લી કરવામાં આવશે.વિસાવદર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અનેક ગામડાઓમાં ગૌચરની જમીન પરની પેશકદમી ખુલ્લી કરાવવાની માંગ સાથે માલધારીઓ રજૂઆત કરી રહ્યા છે.થોડા દિવસ પહેલા વિસાવદર અને કાલસારીના માલધારીઓ મામલતદાર કચેરીએ ખાતે એકત્રિત થઈ પોતાના માલઢોરને લઈ ગૌચર ખાલી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્‍ચારી હતી. જેને લઇ મામલતદાર અને ટીડીઓ દ્વારા સરપંચ સહિતના આગેવાનોને બોલાવી ગૌચર ખાલી કરાવવા મુદ્દે ગ્રામસભા બોલાવી તાત્‍કાલિક નિર્ણય લેવા જણાવ્‍યું હતું.

જે અનુસંધાને કાલસારી પ્રાથમિક શાળામાં બોલાવેલી ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.ખેડૂતો ગામતળની જમીન પરની પેશકદમી ખુલ્લી કરાવવા અને માલધારીઓ ગૌચર ખુલ્લું કરાવવા આમને સામને આવી ગયા હતા.માલધારી અને ખેડૂતો આમને સામને આવી જતા ગ્રામસભા દોઢ કલાક ચાલી હતી, પરંતુ અંતે કોઈ નિર્ણય થઈ શક્‍યો ન હતો..આગામી દિવસોમા વહીવટીતંત્ર આ પેચિદો પ્રશ્ન કઈ રીતે હલ કરે છે..? તે અંગે જબરી ઉત્‍કંઠા વ્‍યાપી છે.

(2:14 pm IST)